Chhota Udepur
દુષ્કર્મ, છેડતી તથા જાતિય સતામણી રોકવા કદવાલ પોલીસની પહેલ ગુડ ટચ-બેડ ટચ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ, તા.૨૨)
જેતપુરપાવી તાલુકાનાં છેવાડે આવેલા સટુંન વિસ્તારમાં સરકારી માઘ્યમિક શાળામાં કદવાલ પોલીસ દ્વારા ગુડ ટચ- બેડ ટચ અંગે શાળાના વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા.જેમાં દુષ્કર્મ, છેડતી તથા જાતિય ગુનાઓથી બાળકોને રક્ષણ આપતા અધિનિયમ પોકસોની કલમ મુજબ આવા બનાવમાં નાના બાળક બાળકીઓ ભોગ બનતા અટકાવવા સટુંન ગામની પ્રા.શાળામાં મોટી સંખ્યામાં સટુંન વિસ્તારના શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ગુડ ટચ બેડ ટચ અંગે જાગૃત કર્યા હતા.
જેતપુરપાવી તાલુકાની સટુંન ગામની પ્રા.શાળા ખાતે સરકારની ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજી બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જેમાં ધો. ૬ થી ૧૦ ના ૨૦૦ થી વધુ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. અને બાળકોને કોઇ અજાણ્યા કે જાણીતા વ્યક્તિ કોઇ એવી જગ્યાએ સ્પર્શ કરે તો તેની જાણ તાત્કાલીક માતા-પિતાને અથવા તો પોતાના વર્ગ શિક્ષકને કરવી તેમજ કોઇ અજાણ્યો વ્યક્તી કોઇ ચીજ વસ્તુ આપવાનું કહી પોતાની સાથે બોલાવે તો નહિ જવા અને તાત્કાલીક માતા પિતા અથવા સગા સંબંધી અથવા તો વર્ગ શિક્ષકને જાણ કરવી તેમજ કોઇ વ્યક્તી બળજબરી પૂર્વક પોતાની સાથે લઇ જાય તો જોર જોરથી ચીસો પાડવી અને રોવા માંડવુ જેથી કરીને આજુબાજુના લોકોને ખબર પડે તેમજ આવી હકીકતની જાણ તેના વાલીને અથવા તો સગાને કરી શકે વિગેરે બાબતોનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ તકે કદવાલ પોલીસ મથકનાં પી.એસ.આઇ કે.કે પરમાર, પો.કો. રમેશભાઈ રાઠવા, પો.કો.મનીષાબેન,પો.કો.રવિનાબેન સહિત સટુંન ગામની પ્રા. શાળામાં સરકારનો ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
૧૦ થી ૧૭ વર્ષની વિદ્યાર્થીનીઓને તાલીમ આપી જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો
કદવાલ પોલીસ મથકના પી.એસ.આઇ. કે.કે.પરમાર સાથે આ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘ગુડ ટચ, બેડ ટચ’ અંગે કદવાલ પોલીસની મહિલા ટીમને સાથે રાખી નિયમિત રીતે જુદી-જુદી શાળાઓમાં નાની વિદ્યાર્થીનીઓને તાલીમ અને સમજણ આપવાનો પ્રયાસ કરાય છે. આ દરમિયાન સટુંન વિસ્તારમાં આવેલી શાળામાં અમારી ટીમ તાલીમ આપવા પહોંચી હતી. અહી મહિલા પોલીસ દ્વારા ‘ગુડ ટચ, બેડ ટચ’ અંગે શાળાની ૧૦ થી ૧૭ વર્ષની વિદ્યાર્થીનીઓને તાલીમ આપી જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. જેમાં મહિલા પોલીસ દ્વારા એક જ વખત સમજણ આપ્યા પછી આ શાળાની ૧૨ વર્ષની બાળકીએ પોલીસે આપેલ સમજણ અને તાલીમને ખૂબ જ સરસ રીતે પોતાના મગજમાં ઉતારી લીધી હતી. મહિલા પોલીસ દ્વારા વિદ્યાર્થીની સાથે ‘ગુડ ટચ, બેડ ટચ’ અંગે સંવાદ કરતા ખૂબ જ અદ્દભૂત રીતે બાળકીએ પોલીસને જવાબ આપ્યા હતા. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આ જ રીતે ગામડાંની તમામ બાળકીઓમાં ‘ગુડ ટચ, બેડ ટચ’ અંગે સમજ આવી જશે તો એકપણ બાળકી સાથે નરાધમો શારીરિક અડપલા કે દુષ્કર્મ કરી શકશે નહિ.