Gujarat
કલા ઉત્સવમાં સુણાવ હાઈસ્કૂલની કૃતિને આણંદ જીલ્લામાં પ્રથમ સ્થાન
શાળાના વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક :- કૌશલ્યો કેળવાય તેમજ વર્તમાન પ્રવાહો અને ભાવિ જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વોકેશનલ ટ્રેડ દાખલ કરવામાં આવ્યા છે. જે અનુસંધાને વ.બે.વિવિધલક્ષી વિદ્યાલય, સુણાવના વિદ્યાર્થીઓએ 12 સપ્ટેમ્બરના રોજ વિદ્યાનગર ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ઓર્ગેનિક પ્રોડક્ટ સબંધી કૃતિ રજૂ કરી હતી. વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વ્યાપ વધ્યો છે. જેના લીધે ખેતીલાયક જમીનોની ફળદ્રુપતા અને પોષણ ક્ષમતા ઘટી છે. આવા સંજોગોમાં કુદરતી ખાતરનું નિર્માણ કરી ખેતીની જમીનમાં પોષક તત્વો અને ફળદ્રુપતા જાળવી રાખવા સામાજિક જાગૃતિ કેળવાય એવા હેતુસર શાળાના એગ્રીકલ્ચર ટ્રેડમાં ફરજ બજાવતા વોકેશનલ ટીચર વિજયભાઇ વાઘેલાએ શાળાના આચાર્ય જસ્મિનકુમાર પટેલના નેતૃત્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટ વિભાગમાં ઓર્ગેનિક મેન્યોર કમ્પોઝીસન બાબત પર કૃતિ રજૂ કરી હતી.
શાળાના ધો. 09 થી 12 ના એગ્રીકલ્ચર ટ્રેડના વિદ્યાર્થીઓ મહંમદ રુબાન, અક્ષય પરમાર, યુવરાજ પરમાર અને હર્ષ પરમારે આ પ્રોજેક્ટની યોગ્ય સમજણ મુલાકાતીઓને આપી હતી. જેમાં આ કૃતિને જિલ્લા કક્ષામાં પ્રથમ સ્થાન મળ્યું હતું. આગામી દિવસોમાં આ કૃતિ/પ્રોજેકટ રાજ્ય કક્ષાએ પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે એવી શાળા પરિવાર અને સુણાવ કેળવણી મંડળ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી.