Panchmahal
જિલ્લા માહિતી કચેરી ગોધરાના અધિક્ષક કોકીલાબેન વય નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજાયો
સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્વના હોય છે. એક જ્યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવૃત્તિ અથવા સેવા નિવૃત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત જરુર થતાં હોય છે પરંતુ, એક મનુષ્ય તરીકે મનુષ્ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ શકતાં નથી. વિદાયમાન કોઈપણ હોય એ સ્થિતિ જ એવી હોય છે કે, હૃદય ભારે બની જાય. આ દ્રશ્ય ખરેખર અદ્ભૂત હોય છે. એક સરકારી કર્મચારી કે, અધિકારી તરીકે સમગ્ર કાર્યકાળ દરમિયાન ઈમાનદાર ફરજનિષ્ઠ બની રહેવું ઉપરાંત જવાબદારી તો ખરી જ સાથે ઉત્તરદાયિત્વ પણ નિભાવવું એ સામાન્ય બાબત નથી.
કેવી પળો હોય છે એ નિવૃત્તિ સમયની વયનિવૃત્ત થતાં સરકારી કર્મીનું હૃદય ઉપરાંત સાથી કર્મીઓના હૃદય પણ એક પળ માટે થંભી જતા હોય છે! આમ જિલ્લા માહિતી કચેરી ગોધરા ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા કોકીલાબેન સુતરીયા તા.૩૦/૦૬/૨૦૨૩ના રોજ વયનિવૃત થતા આજ રોજ નાયબ માહિતી નિયામક પારૂલ મણિયારની અધ્યક્ષતામાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
પારૂલ મણિયારે તેમને નિવૃત્તિ જીવન નિરોગી રહે,સુખમય રહે અને નિવૃતિ જીવનની પળો તેમના પરિવાર સાથે વિતાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
વિદાયમાન કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરીના પરિવાર દ્વારા સુતરીયાને શ્રીફળ આપી, સાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપીને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં માહિતી મદદનીશ આઈ.એચ.ચૌધરી અને ટેકનિકલ આસિસ્ટન્ટ જે.કે.રાવલે કોકીલાબેન સુતરીયાએ કરેલી સરકારી કામગીરીને બિરદાવી તેમનું નિવૃત્તિ જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જુનિયર કલાર્ક આમલિયાર, સુતરીયાના પરિવારના સભ્યો,નિવૃત્ત એ.ડી.આઈ કલ્પનાબેન પટેલ,ચુંટણી મામલતદાર હંસાબેન, ચુંટણી મામલતદારલુણાવાડા દર્શનાબેન શાહ સહિત માહિતી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા માહિતી પરિવાર દ્વારા સુતરીયાને શ્રીફળ, પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડીને ભવ્ય બહુમાન કર્યુ
સુતરીયાનું નિવૃત્તિ જીવન નિરોગી રહે,સુખમય રહે અને નિવૃતિ જીવનની પળો તેમના પરિવાર સાથે વિતાવે તેવી શુભકામનાઓ પાઠવતાં-નાયબ માહિતી નિયામક