National
હિન્ડેનબર્ગ કેસની આવતીકાલે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ , છ સભ્યોની સમિતિ દ્વારા સીલબંધ કવરમાં સુપરત કરશે અહેવાલ
સુપ્રીમ કોર્ટ અદાણી-હિંડનબર્ગ વિવાદ પર દાખલ અરજીઓ પર 12 મેના રોજ સુનાવણી કરશે. કોર્ટે 2 માર્ચે માર્કેટ રેગ્યુલેટર સેબીને અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવમાં ચેડાં કરવાના આરોપોની બે મહિનામાં તપાસ કરવા જણાવ્યું હતું. અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલ બાદ ભારતીય રોકાણકારોને સુરક્ષા આપવા અંગે વિચારણા કરવા માટે સર્વોચ્ચ અદાલતે એક સમિતિની પણ રચના કરી હતી.
સમિતિ દ્વારા સીલબંધ કવરમાં અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી યાદી અનુસાર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચ આ અરજીઓની સુનાવણી કરશે. વર્તમાન નિયમનકારી માળખાનું મૂલ્યાંકન કરવા અને પ્રક્રિયાને મજબૂત કરવા માટે રચાયેલી ભૂતપૂર્વ જસ્ટિસ એએમ સપ્રેની આગેવાની હેઠળની છ સભ્યોની સમિતિએ સીલબંધ કવરમાં ટોચની અદાલતને અહેવાલ સુપરત કર્યો હોવાના મીડિયા અહેવાલોને પગલે સુનાવણીનું મહત્ત્વ છે.
અગાઉ, માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરના ભાવમાં ચાલાકી અને નિયમોમાં કોઈપણ ક્ષતિના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ છ મહિનાનો સમય માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે 2 માર્ચે સેબીને બે મહિનામાં આ મામલાની તપાસ કરવા અને ભારતીય રોકાણકારોની સુરક્ષા માટે એક સમિતિની રચના કરવા જણાવ્યું હતું.
કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં, સેબીએ કહ્યું હતું કે “આર્થિક ખોટી રજૂઆત, નિયમોનું પાલન ન કરવું અને કપટપૂર્ણ વ્યવહારો સંબંધિત સંભવિત ઉલ્લંઘનોને શોધવા માટે આ કવાયત પૂર્ણ કરવામાં વધુ છ મહિના લાગશે”.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “તપાસ પૂર્ણ કરવા માટેનો સમય છ મહિના અથવા અન્ય સમયગાળો જે કોર્ટને હાલના કેસના તથ્યો અને સંજોગોમાં યોગ્ય અને જરૂરી લાગે તે લંબાવવો.” સર્વોચ્ચ અદાલતે વર્તમાન નિયમનકારી માળખાનું મૂલ્યાંકન કરવા અને પ્રક્રિયાને મજબૂત કરવા ભલામણો કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એએમ સપ્રેની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.