Surat
સુરત: ગોપીતળાવ પર આવેલી ચતુર્મુખી વાવ: 16 મી સદીમાં સુરતને મળેલો ભવ્ય ઐતિહાસિક વારસો

(સુનિલ ગાંજાવાલા સુરત)
ઈ.સ.1510ની આસપાસ સુરતના તત્કાલીન સુબેદાર મલેક ગોપીએ ગોપી તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયે રૂ.85 હજારના ખર્ચે બનેલા અને 58 એકરમાં ફેલાયેલ આ તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતાં. જેમાંથી 13 બાજુએ તળિયા સુધી પહોંચી શકાય એવા પગથિયા વિનાનો ઢાળ હતો. ગોપીપુરા વિસ્તારમાં આવેલા આ ઐતિહાસિક મહત્વને બરકાર રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં ‘ગોપીકલા મહોત્સવ’ યોજવામાં આવે છે.મીર આલમશાહે 1718ની સાલમાં ગોપીતળાવના પથ્થરોને ઉપયોગમાં લઈ દુર્લભ કહી શકાય એવી ચતુર્મુખી વાવ બાંધી હતી.
આ વાવ જર્જરિત થતાં ધીરજવાલ મથુરદાસ ગીનાતે સમારકામ કરાવ્યું હતું. ચતુર્મુખી વાવ પાણીની અછત દૂર કરવા માટે નહીં, પણ આ વાવ બનાવવાનો મુખ્ય હેતુ રસ્તા પરથી નીકળતા વટેમાર્ગુઓને પીવાના પાણીની સુવિધા આપવાનો હતો. એટલે જ મોટાભાગની રાહદારીઓની તરસ બુઝાવતી વાવ રસ્તા નજીક બાંધવામાં આવી હોય છે. આ વાવ લગભગ અઢીસો વર્ષ પુરાણી હોય તેવું તેના બાંધકામ પરથી કહી શકાય.