Surat

સુરત શહેર-જિલ્લામાં વરસાદના વિરામથી હાશકારો, આરોગ્ય વિભાગની કસરત શરૂ

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરત શહેર-જિલ્લામાં મંગળવારે સવારથી મેઘરાજાએ વિરામ લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી અનારાધાર વરસાદને પગલે ત્રાહિમામ પોકારી ઉઠેલા નાગરિકોએ આજે વરસાદના વિરામ સાથે જ ભારે રાહત અનુભવી હતી.જોકે, પાલિકાના આરોગ્ય વિભાગની દોડધામ શરૂ થઈ ગઈ હતી. બીજીતરફ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો જવા મળ્યો છે. આજે સવારે 327 ફુટને વટાવી ચુકી હતી અને ઈનફ્લો 1.50 લાખ ક્યુસેક સુધી પહોંચ્યો હતો.હવામાન વિભાગ દ્વારા સુરત સહિત રાજ્યમાં ત્રીજા રાઉન્ડ વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં મેઘરાજાએ ગુજરાતમાં મ્હેર કરતાં અત્યાર સુધી સિઝનનો 83 ટકા સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા આઠ દિવસથી સતત વરસાદી માહોલ બાત મંગળવારે સવારથી જ સુરત શહેર – જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. આમ તો મોડી રાતથી જ વરસાદનું જોર ઘટ્યું હતું અને સવારે પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

Advertisement

આ સિવાય મોટા ભાગના તાલુકાઓમાં પણ વાદળોની સંતાકુકડી વચ્ચે મેઘરાજાના વિરામથી ખેડૂતોએ પણ હાશકારો લીધો હતો.સુરતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટીમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ ધીમી ગતિએ વધારો જોવા મળ્યો હતો. જોકે, છેલ્લા 10 દિવસમાં ઉપરવાસમાં એકધારા વરસાદને પગલે ડેમની સપાટીમાં સડસડાટ વધારો થઈ રહ્યો છે. માત્ર 10 દિવસમાં ડેમની સપાટીમાં 17 ફુટનો નોંધપાત્ર વધારો થયો છે. હાલ ઉકાઈ ડેમ 333 ફૂટના રૂલ લેવલથી માત્ર 5 ફુટ જ દૂર છે.વરસાદનું જોર નરમ પડતાં હવે જાહેર આરોગ્યની સ્થિતિ સામે પડકાર ઉભો થાય તેવી સંભાવનાઓને પગલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે અઠવા ઝોન વિસ્તારમાં પીપલોદ ખાતે હળપતિવાસની મુલાકાત લઈ સાફસફાઈનું નિરીક્ષણ કર્યું હતું. ઉધના ઝોનમાં વડોદ-વિશાલનગર આંબેડકર ચોક ખાતે વિઝિટ કરી હતી. વડોદ આવાસ વિસ્તારમાં મુખ્ય ડ્રેનેજ લાઇનની સફાઇનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. અને વડોદ કોમ્યુનિટી હોલમાં બનાવેલા હેલ્થ સેન્ટરમાં સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સંબધી માહિતી મેળવી હજી કામગીરી વધારે સખ્ત કરવા સૂચન કર્યા હતા.

Advertisement

Trending

Exit mobile version