Surat

સુરત સિવિલ હોસ્પિટલમાં પગાર મુદ્દે ચોથા વર્ગનાં કર્મચારીઓની હડતાળ

Published

on

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક વખત સોમવારે સવારથી ચોથા વર્ગના કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા હતાં. દર્દીઓથી માંડીને તબીબોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેતન વધારાની માંગણી સાથે ધરણાં પ્રદર્શન પર ઉતરેલા કર્મચારીઓએ સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર જ સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું.હડતાળને પગલે સિવિલના સત્તાધીશો પણ દોડતા થઈ ગયા હતા.સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મજુરા ગેટ પર આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં સોમવારે વધુ એક વખત કોન્ટ્રાક્ટર પર કામ કરતાં ચોથા વર્ગના અંદાજે 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. અનિશ્ચિત પગારની સાથે વેતનમાં વધારાની માંગણી કરી હતી. રોષે ભરાયેલા કર્મચારીઓએ કહ્યું કે, સિવિલના વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરને અનેક રજુઆતો કરવા છતાં અમારું આર્થિક શોષણ કરાઈ રહ્યું છે. અન્ય સિવિલ હોસ્પિટલની તુલનામાં સુરતમાં વેતન ઓછું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

Advertisement


સોમવારે ઉઘડતા દિવસે જ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની બહાર એકાએક ચોથા વર્ગના કર્મચારીઓએ હડતાળ ઉપર બેસી જતાં દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તમામ વોર્ડથી માંડીને ઓપીડીમાં ચોથા વર્ગના કર્મચારીઓની ગેરહાજરી વર્તાઈ હતી. આખી હોસ્પિટલમાં સફાઈ અને અન્ય સહાયક વ્યવસ્થા ખોરવાઈ હતી. વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. અધિકારીઓએ કર્મચારીઓને હડતાળ સમેટવા સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

Trending

Exit mobile version