Surat
સુરત કલેકટર કચેરીના અધિકારીઓએ દત્તક લીધેલા સ્ટ્રીટ ચિલ્ડ્રનને એજ્યુકેશન કીટ આપી
સુનિલ ગાંજાવાલા
સુરત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા સ્ટ્રીટ ચિલ્ડ્રન પૈકી ના 20 બાળકોને સિટી પ્રાંત અધિકારી દ્વારા એજ્યુકેશન કીટ અને ટી શર્ટ આપવામાં આવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે વર્ષ 2019માં તમામ જિલ્લામાં આવેલા સ્ટ્રીટ ચિલ્ડ્રનની નોંધણી કરી તેમની સાક્ષરતા અને સામાજિક ઉદ્ધારની દિશામાં કાર્ય કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં સ્ટ્રીટ ચિલ્ડ્રનની નોંધણી માટે બાલ સ્વરાજ પોર્ટલ બનાવાયુ હતું અને તેના ઉપર તમામની નોંધણી કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં કુલ 34 બાળકો નોંધાયા હતા. જ્યારે 20 પરિવારની નોંધણી કરવામાં આવી હતી. આ બાળકો પૈકીના સુરતના 20 જેટલા બાળકોને જિલ્લા કલેકટરના આધિકારીઓએ દતક લીધા હતા.
આવા પરિવારોને આધાર કાર્ડ, આવકના દાખલા, શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સહિતના લાભ કલેકટર દ્વારા આપવામાં આવ્યા છે.આ 20 બાળકોને સમાજના મૂળ પ્રવાહમાં પુનઃ સ્થાપન કરવા માટે કલેકટરે અધિકારીઓને દત્તક આપ્યા હતા. હાલમાં આ બાળકોને નવા શૈક્ષણિક સત્રમાં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. દત્તક લેનાર અધિકારી સિટી પ્રાંત અધિકારી જી.વી. મીયાણીએ આ બાળકોની મુલાકાત લઇને તેમને એજ્યુકેશન કીટ અને ટી-શર્ટ આપ્યા હતા. જ્યારે આ બાળકો અભ્યાસ માટે જાય તથા તેમને જરૂરી વસ્તુ મળી રહે તે માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ બાળકોમાંથી બે પરિવારના આજીવિકા માટે હાથલારી અને એક પરિવારને ખેતીના સાધનો આપ્યા હતા.