Surat
CR પાટીલને બદનામ કરતી પત્રિકા મામલો સુરત જિલ્લા ભાજપ પ્રમુખે ૩ લોકોને સસ્પેન્ડ કર્યા
સુનિલ ગાંજાવાલા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર ગંભીર આક્ષેપો કરતી પત્રિકા મામલે સુરત જિલ્લા ભાજપના પ્રમુખે ૩ લોકોને સસ્પેન્ડ કર્યા છે. અત્રે જણાવીએ કે, અગાઉ પોલીસે આ મામલે ૩ લોકોની અટકાયત પણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ગણપત વસાવાના PA રાકેશ સોલંકીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ૨ કર્મચારી દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.જે બાદ હવે જિલ્લા ભાજપે કાર્યવાહીનો ધમધમાટ ચલાવ્યો છે.સુરત જિલ્લા ભાજપના પ્રમુખે ઉમરપાડાના ભાજપ પ્રભારી રાકેશ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. તેમજ તરસાડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હરદીપસિંહ અટોદરિયા તેમજ તરસાડી નગર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે ત્રણેયને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આપને જણાવી દઈએ કે, સમગ્ર મામલે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ફરિયાદ કરી હતી.
તપાસમાં એવું સામે આવ્યું હતું કે, રાકેશ સોલંકીએ પોતાની ઓફિસમાં પેનડ્રાઈવ તૈયાર કરી હતી. અન્ય બે પત્ર પણ પોતાની ઓફિસમાં જ કોમ્પ્યુટરમાં તૈયાર કરાવ્યા હતા. દીપુ યાદવ, ખુમાનસિંહે પેનડ્રાઈવ અને પત્રો નેતાઓને પોસ્ટ કર્યા હતા.પત્રો ભરૂચ તથા પાલેજથી જુદા જુદા નેતાઓને પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા. રાકેશ સોલંકીએ કોના ઈશારે કામ કર્યુંએ દિશામાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા રાજકીય ધડાકા અને ખુલાસા થવાની શક્યતા છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને સંદીપ દેસાઈને બદનામ કરતી એક પેન ડ્રાઈવ અને પત્રો ફરતા કરાયા હતા. આ સમગ્ર મામલે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ક્રાઈમબ્રાન્ચમાં અરજી આપી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ફરિયાદ નોંધી હતી.