Surat
સુરત મેટ્રોની નબળી કામગીરી ખુલ્લી પડી, બિપોરજોય સામેની તૈયારીઓ વચ્ચે રોડ પર ભુવા પડ્યા
(સુનિલ ગાંજાવાલા દ્વારા)
હાલ કેટલાક શહેરોમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.જેને લઈ સુરતમાં પણ હાલ મેટ્રોની કામગીરી કરવામાં આવી છે. જો કે, આ કામગીરી દરમિયાન સુરતમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા આ કામગીરી સલામત રીતે કરવામાં આવશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ મેટ્રોની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલા રોડ પર ચાર જ દિવસમાં ભુવા પડતા જોવા મળી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર,મેટ્રોની કામગીરીને ચોમાસા દરમિયાન ચાલુ રહેશે અને સુરતીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવો દાવો અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, મેટ્રો દ્વારા કરવામાં આવેલા તમામ દાવા પોકળ સાબિત થયા છે. હાલમાં મેટ્રો દ્વારા કાપોદ્રાથી રેલવે સ્ટેશન સુધીના અન્ડર ગ્રાઉન્ડ રુટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
તે દરમિયાન થોડા સમય પહેલાં જ વરાછા ઝોનમાં આવેલા લંબે હનુમાન રોડથી વિરાટ નગર સુધીના રોડ પર કામગીરી કરી હતી. ચાર દિવસ પહેલા કામગીરી પુરી થતાં રોડ પણ બનાવી દેવામાં આવ્યો હતો. જો કે, આ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે કે,રોડ બનાવવા પહેલા વોટરિંગ અને પુરાણની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાથી આજે સવારથી આ રોડ પર અનેક જગ્યાએ મોટા ભુવા પડી ગયા છે. આવા ભુવાના કારણે વાહન ચાલકોમાં રોડ પર વાહન હંકારતા ભય જોવા મળી રહ્યો છે. જે રોડ પર ભુવા પડ્યા છે. તે રોડ મોટાભાગે વાહનોની અવરજવરથી ભરેલો હોય છે. અહીં એક શાળા પણ આવેલી છે. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.ભયને પગલે સ્થાનિકો દ્વારા આ અંગેની ફરિયાદ પાલિકા તંત્રને કરવામાં આવી હતી. ભુવા પડ્યા હોવાની જાણ થતા તંત્ર દોડતું થયું છે. અને મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરીને આ ભુવા પુરવાની અને યોગ્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવા માટે વાતચીત કરી સુચના આપવામાં આવી હતી.