Surat
સુરત પાલિકાનુ બસ સ્ટેન્ડ કે બકરાં-ગધેડા બાંધવાનો તબેલો
સુનિલ ગાંજાવાલા
સીટી બસ સેવા શરૂ થાય તે પહેલાં સ્થળ-સ્થિતિની પરવાહ કર્યા વગર કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડમાંથી અડધો અડધ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રહેતી નથી. પરિણામે વગર વપરાશે ધૂળ ખાતા બસ સ્ટેન્ડની દુર્દશાના દ્રશ્યો હવે સામાન્ય થઈ ચૂક્યા છે. ઉપયોગ અને જાળવણીના અભાવે મોટા ભાગના બસ સ્ટેન્ડો જર્જરિત થઈ ચુક્યા છે. કેટલાંય બસ સ્ટેન્ડમાં તો લોકો ગઘેડા અને બકરાને બાંધવાના તબેલા તરીકે ઉપયોગમાં લેવા માંડ્યા છે.રોજ સવા લાખથી વધુ લોકો સુરત પાલિકા સંચાલિત સિટિલિંક કંપનીની સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. જોકે, પાલિકા આ સેવા પ્રત્યે કેટલી ગંભીર છે તે જગજાહેર છે. સિટી બસ સર્વિસ શરૂ કરાય તે પહેલાં જ શહેરમાં કોઈપણ પ્રકારના સર્વે વગર ઠેર-ઠેર બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ બસ સર્વિસ શરૂ કરી ત્યારે તેમાંથી લગભગ અડધો અડધ બસ સ્ટેન્ડ ઉપર બસ લઈ જવી શક્ય નથી, કેટલાંય લોકો ઉપયોગ કરી શકે તેવી ભૌગોલિક સ્થિતિમાં નથી. આવી હાલતમાં સંખ્યાબંધ બસ સ્ટેન્ડ બિનવારસી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
અનેક બસ સ્ટેન્ડ શ્રમજીવી અને ભિક્ષુકોના નિવાસ સ્થાનની ગજર સારી રહ્યાં છે. આટલું ઓછું હોય તેમ હવે શહેરમાં બસ સ્ટેન્ડ જાણે જાનવરો માટેના તબેલા હોય તેમ બકરાં અને ગઘેડાઓ બાંધવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.પાલિકાએ આડેધડ કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરેલા આ બસ સ્ટેન્ડ જ્યારે બનાવાયા હતાં, ત્યારે પણ વિવાદમાં આવ્યા હતાં. જરૂરિયાત અને સ્થળની ચિંતા કર્યા વગર માત્ર સંખ્યા ગણાવવા માટે બનાવાયા હોવાની શંકા ત્યારે પણ વ્યક્ત કરાઈ હતી. હવે આ બસ સ્ટેન્ડની જે હાલત થઈ રહી છે, તે ખાયકીની ચાડી ખાઈ રહ્યાં છે. આ પ્રકારે બસ સ્ટેન્ડ પર જ ગધેડાં અને બકરાંઓ બાંધવાની સ્થિતિએ ગંભીર સવાલ પણ સર્જ્યા છે. પાલિકામાં વર્ષે દિવસે થતાં વિકાસ કામોમાં જરૂરિયાતવાળા કેટલાં, શું પાલિકા વિકાસના કામો નક્કી કરતાં પહેલાં તેની જરૂરિયાત અંગે કોઈ ચોક્કસ તારણો કાઢે છે કે કેમ, કે પછી તરંગી વિચારોને આધારે જ પ્રોજેક્ટ નક્કી થાય છે, તે પ્રશ્નો જવાબ માગી રહ્યાં છે.