Surat
સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર બસ કંડક્ટરોને સપ્લાય કરનાર એજન્સી પર પાલિકા તંત્ર મહેરબાન
સુનિલ ગાંજાવાલા
પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર બસ કંડક્ટરોને સપ્લાય કરનાર એજન્સી પર પાલિકા તંત્ર મહેરબાન થઈ ગયું છે. છાસવારે પૈસા લઈને ટિકિટ નહીં આપવાની ફરિયાદ બહાર આવી રહી છે પરંતુ પાલિકા તંત્ર કંડક્ટરને બ્લેક લિસ્ટ કરે છે પરંતુ કંડક્ટર સપ્લાય કરનારી એજન્સી સામે આર્થિક દંડ સિવાય બીજા કોઈ પગલાં ભરાતા ન હોવાથી પાલિકાની સિટી બસમાં ટિકિટ નહીં આપી બારોબાર પૈસા વસુલી બેફામ ચોરી થઈ રહી છે. સુરત પાલિકાની સીટી બસ મોટા ભાગે હાઉસ ફુલ જાય છે અને પીક અવર્સમાં તો મુસાફરોએ દરવાજા બહાર લટકી મુસાફરી કરવી પડી રહી છે. એક તરફ મુસાફરોને બસમાં બેસવા માટે જગ્યા મળતી નથી અને બસ ખીચોખીચ ભરાઈને જઈ રહી છે તો બીજી તરફ પાલિકાને ટિકિટની આવક પૂરી થતી નથી અને પાલિકાને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આવી અનેક ઘટનાઓ બની રહી છે પરંતુ મેન પાવર સપ્લાય કરનારી એજન્સી સામે કોઈ આકરા પગલાં ન ભરાતા હોવાથી પાલિકાનું નુકસાન દિવસેને દિવસે વધી રહ્યું છે.સુરત પાલિકાના વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ આજે પાલિકાની 205 નંબરની સિટી બસમાં મુસાફરી કરી હતી. તેમની પાસેથી કંડક્ટરે દસ રૂપિયા લીધા હતા પરંતુ ટિકિટ આપી ન હતી. આવી જ રીતે અનેક પેસેન્જરો પાસે પૈસા લઈને ટિકિટ ન આપી હોવાનું જોતાં સુહાગીયાએ સ્ક્વોડ બોલાવી હતી. બે બસ રોકવામાં આવી હતી તેમાંથી એક બસમાં કંડક્ટર દ્વારા થતી ગેરરીતિ બહાર આવતાં કંડક્ટરને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યો હતો. સુહાગીયાએ કંડક્ટરને પૂછતાં તેમને એજન્સી પૂરો પગાર નથી આપતા અને બે ત્રણ મહિનાથી પગાર ચૂકવતી નથી તેવી કેફિયત રજૂ કરી હતી. જેના કારણે કંડક્ટર ચોરી કરે છે અને મોટો આર્થિક ફટકો પાલિકા તંત્રને લાગી રહ્યો છે.
પાલિકા તંત્ર કહે છે સ્ક્વોડ ચેકિંગ કરે છે જેમાં એક મુસાફર ટીકીટ વિના ઝડપાય તો મેન પાવર સપ્લાય કરનારી એજન્સી પાસેથી 250 રૂપિયા વસુલવામાં આવે છે. તો બીજી તરફ કંડક્ટર એવો આક્ષેપ કરે છે કે પેનલ્ટી કંડક્ટરના પગારમાંથી કાપી લેવામાં આવે છે. આવી ગંભીર સ્થિતિ છે અને પાલિકાને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન મેન પાવર સપ્લાય કરનારી એજન્સીને કારણે થઈ રહ્યું છ. પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવા છતાં એજન્સી પાસે પેનલ્ટી વસુલવા સિવાય એજન્સીને બ્લેક લિસ્ટ કરવા કે અન્ય કોઈ આકરા પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે ટિકિટ ન આપીને બારોબાર પૈસા વસુલી બેફામ ચોરી થઈ રહી છે, જો પાલિકા તત્ર મેન પાવર સપ્લાય કરનારી એજન્સી સામે આકરા પગલાં ભરવાનું શરૂ કરે તો જ પાલિકાને કરોડો રૂપિયાની ખોટમાંથી બચાવી શકાય તેમ છે.