Gujarat
સુરત પોલીસનો નવતર પ્રયોગ ચાઇનીઝ દોરી સામે જનજાગૃતિ માટે અપનાવી રહી છે આ રસ્તો

ઉતરાણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યમાં પતંગ દોરાની માર્કેટો પણ ધમધમતી થઈ ગઈ છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરતમાં પોલીસ દ્વારા પીસીઆર વાન માંથી ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને તુક્કલ નહીં વાપરવા માટે અનાઉન્સમેન્ટ કરી અપીલ કરવામાં આવી રહી છે
પોલીસ દ્વારા જનજાગૃતિનો નવતર પ્રયોગ
સુરત શહેરનો માંજો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ ચાઇનીઝ દોરાના ઉપયોગ પણ ઘણા મોટા પ્રમાણમાં ઉતરાયણ દરમિયાન કરવામાં આવી રહ્યો છે. ચાઇનીઝ દોરાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે અને કેટલાક કિસ્સામાં મૃત્યુ થયાના બનાવો પણ બન્યા છે. ચાઇનીઝ દોરાનું વેચાણ અટકાવવા માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે અને વેચાણ કરતા ઇસમોને પકડીને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરાનો ઉપયોગ લોકો ન કરે એ માટે નવતર અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે.
પીસીઆર વાનમાંથી કરાઈ રહ્યું છે એનાઉન્સમેન્ટ
સુરત શહેરના ભાગળ વિસ્તારમાં સૌથી મોટી પતંગ-દોરા બજાર આવેલી છે. મોટી સંખ્યામાં લોકો પતંગ અને દોરાની ખરીદી માટે આ બજારમાં આવી રહ્યાં છે. તેવામાં મહિધરપુરા પોલીસ આ વિસ્તારમાં એક પીસીઆર સતત ફેરવી રહી છે અને એઆઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છેકે, સુરત શહેરના નગરજનો નાયલોન દોરી, ચાઇનીઝ દોર કે તુક્કલનો ઉપયોગ ઉતારયણમાં કરે નહીં. મહિધરપુરા પોલીસની સૌ નાગરિકોને આ નમ્ર અપીલ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કરી હતી અપીલ
ઉતરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીના કારણે અકસ્માતોના બનાવો પણ સતત બની રહ્યાં છે. ચાઇનીઝ દોરાને લઇને હાઇકોર્ટની ફટકાર બાદ સરકાર સતર્ક બની છે અને ચાઇનીઝ દોરાનું વેચાણ રોકવા માટે 100 નંબર પર ફરિયાદ કરવા અંગે જણાવવામાં આવી રહ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આજેપણ ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ લોકોને અપીલ કરી હતી.
હર્ષ સંઘવીએ અપીલ કરતા જણાવ્યું છેકે, રંગબેરંગી પતંગ ચગાવવાનો શોખ જરૂરથી હોવો જોઇએ. પેચ પણ લગાવવા જોઇએ. પરંતુ આ પેચ હંમેશા ભાઈબંધીમાં કપાતા હોય છે. કોઇનો જીવ લે એ પ્રકારના પેચ કરવાનો શોખ ન રાખવો જોઇએ. એવી મારી સૌ નાગરીકોને મારી અપીલ છે.
પતંગ રસિયોમાં ઉત્સાહનો માહોલ
ઉતરાયણ પર્વને લઇને પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ છે. સુરત શહેરમાં દિવાળીના તહેવારની જેમજ ઉતરાયણ પર્વને લઇને પતંગ-દોરા બજારો ધમમધતી જોવા મળી રહી છે. તેવામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચી રહેલા વિક્રેતાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથેજ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે નવતર અભિગમ પણ કરવામાં આવી રહ્યાં છે.