Surat
ફોટોશોપમાં એડિટિંગ કરીને 5000 રૂપિયામાં બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાના રેકેટનો સુરત SOG એ કર્યો પર્દાફાશ
સુનિલ ગાંજાવાલા
બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના કિસ્સાઓમાં સત્ય વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતની SOG પોલીસે ગત રોજ બોગસ ડોક્યુમેન્ટના એક મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે બાતમીના આધારે રેડ પાડીને સુરતમાં એક કોમ્પ્યુટરની દુકાનમાંથી 131 જેટલા બોગસ ડોક્યુમેન્ટ તેમજ 1.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 4 ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં SOG પોલીસને બાતમી મળી હતી કે, પાંડેસરા પીયુષ પોઈન્ટની પાસે આવેલ શિવનગર સોસાયટી ખાતેની સોલાર કોમ્પ્યુટર નામની એક દુકાનમાં કેટલાક ઈસમો ભેગા મળીને જે કોમ્પ્યુટર દ્વારા ઓળખના બનાવટી અને બોગસ પુરાવા બનાવી આપે છે.
ત્યારે SOG પોલીસે બાતમીના આધારે એક ડમી ગ્રાહકને આ દુકાનમાં મોકલીને આ બાબતની ખાતરી કરી હતી અને ખાતરી થયા પછી પોલીસે દુકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ ફોટોશોપનો ઉપયોગ કરીને લોકોને બનાવટી માર્કશીટ,ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના પુરાવાઓમાં એડીટીંગ કરીને 5000 રૂપિયામાં બોગસ દસ્તાવેજ બનાવી આપતા હતા.પોલીસે આ સમગ્ર મામલે અખિલેશ રાજીવ પાલ, મન્ટુકુમાર રણવિજય સિંઘ,સંજય ભગવતીપ્રસાદ નિશાદ તેમજ મયંક સંજય મિશ્રાની ધરપકડ કરી છે. તેમજ તમામ બોગસ ડોક્યુમેન્ટ અને દુકાનમાં રહેલો 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.