Gujarat
પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ,ફોગિંગ અને દવાનો છંટકાવ
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની દરકાર માટે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સર્વેલન્સ સહિત ફોગીંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
રોગચાળા અટકાયત માટે જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે રહી નાગરિકોના આરોગ્યની દરકાર કરી રહી છે. આ ટીમો આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે. આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે મેડીકલ ઓફિસર સાથે આરોગ્ય ટીમ કાર્યરત કરવામાં આવી છે. મોબાઈલ મેડીકલ ટીમ (રેપીડ રિસ્પોન્સ ટીમ) મારફતે વાડી/દુર્ગમ વિસ્તારમાં પણ આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં આ ટીમો દ્વારા જિલ્લામાં વિવિધ સ્થાનોની તપાસ કરીને ક્લોરીનની ગોળીઓનું વિતરણ,દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.