Chhota Udepur
સસ્પેન્ડેડ પ્રિન્સિપાલ સિનિ. સિવિલ જજ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ
(પ્રતિનિધિ કાજર બારીયા)
બોડેલી સેવાસદનમાં ગત તા.18મીએ વહેલી સવારે કોર્ટ રૂમના દરવાજાના તાળા પર લગાવેલ સીલ તોડી ગેરકાયદે પ્રવેશ કરી દસ્તાવેજો ડુંગરી કાપડના પોટલામાં બાંધીને લઈ જનાર તત્કાલીન એડી. ચીફ જ્યુડી મેજી સહિત ત્રણ સામે રજિસ્ટ્રારની ફરિયાદને આધારે પોલીસે ગઈકાલ રાતે ગુનો દાખલ કર્યો હતો. છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રાર જયદીપ શાહે બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રિન્સિપાલ સિનિયર સિવિજ જજ એ.આર.પાઠકને સસ્પેન્શનના ઓર્ડરની બજવણી ગત તા.17મીએ સાંજે 4:03 કલાકે કરાઈ હતી. ઓફિસનો સમય પૂરો થયા બાદ ઇન્ચાર્જ રજિસ્ટ્રારે સહીવાળી કાપલી તાળા પર લગાવી સીલ માર્યું હતું. બીજા દિવસે તા.18મીએ વહેલી સવારે 6થી 6:31 દરમિયાન એ.આર. પાઠક, ગોપાલ રાઠવા અને સુભાષ એસ. રાઠવા સીલ તોડી અનઅધિકૃત પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પરવાનગી લીધા વગર કોર્ટમાંથી ગેરકાયદે ડુંગરીનું એક પોટલું ભરી દસ્તાવેજો લઈ ગયા હતાં.
ગોપાલ રાઠવાએ પોટલું ઊંચકી બહાર ઊભેલા વાહનમાં મૂકયું અને સુભાષ રાઠવાએ વડોદરા સ્થિત એ.આર.પાઠકના ઘરે જઈ ઉતાર્યું હતું. આ બાબતે વિગતવાર થયેલી તપાસમાં સ્ટાફ, આઉટ સોર્સિંગના કર્મચારીઓ અને કોર્ટમાં ફરજ બજાવતા હોમગાર્ડના નિવેદનો લેવાયા હતાં. આ ઉપરાંત પ્રાંત કચેરી તથા મામતદાર કચેરી દ્વારા સંચાલિત CCTV ફૂટેજ પુરાવા તરીકે મેળવાઈ હતી. જે બાદ વિગતવાર રિપોર્ટ છોડાઉદેપુરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને કરવામાં આવ્યો હતો. આ ફરિયાદને આધારે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તત્કાલીન એડી ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ એ.આર.પાઠક રહે.વડોદરા), ગોપાલ રાઠવા અને સુભાષ રાઠવા (બંને રહે.બોડેલી) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331 (4), 305 (એ), 54 મુજબ ગુનો નોંધાયો હતો. આ બનાવ સંદર્ભે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રાર જયદીપ શાહે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિનિયર સિવિલ જજને ગત તા. 17મીએ સસ્પેન્સનનો ઓર્ડર બજાવાયો હતો.
ઇ.રજિસ્ટ્રારની સૂચના છતાં પટાવાળાએ સસ્પેન્ડેડ જજને ચાવી આપી
સીલની કાર્યવાહી બાદ ઇન્ચાર્જ રજિસ્ટ્રારે આઉટ સોર્સિંગના પટાવાળા ગોપાલ રાઠવાને જ્યુડિશિયલ ઓફિસરની ચેમ્બર, કોર્ટ રૂમ અને સ્ટાફ રૂમની ચાવી બીજા એડી. ડિસ્ટ્રિક્ટ જજને તેમના નિવાસસ્થાને આપવાની સૂચના આપી હતી. એ.આર.પાઠક સસ્પેન્ડ હોવાની જાણ છતાં ગોપાલ રાઠવાએ ચાવી ગેરકાયદે રીતે તેમને આપી હતી
તા.17મીએ 11 પોટલા લઈ ગયા, તા.18મીએ કયા દસ્તાવેજોની ચોરી ?
17મી સપ્ટેમ્બરે સસ્પેન્શનના ઓર્ડરની બજવણી બાદ એ.આર. પાઠક ચેમ્બરમાં પોતાની અન્ય કામગીરીમાં વ્યસ્ત હતાં. ચેમ્બરમાં રહેલા પેપર્સ તથા અન્ય ચીજવસ્તુઓના પોટલા બનાવવાનું જણાવતા સ્ટાફે 11 પોટલા તૈયાર કર્યાં હતાં. જે બાદ ઓફિસનો સમય પૂરો થતાં સાંજે 6:10 કલાકે કોર્ટમાંથી બહાર કાઢી એક ગાડીમાં મૂકીને લઈ જવાયા હતાં. બીજા દિવસે તા.18મીએ કોર્ટમાંથી કયા પ્રકારના દસ્તાવેજોની ચોરી થઈ ? તે રહસ્ય અકબંધ છે.
હાઈપ્રોફાઈલ કેસની તપાસ ઇન્ચાર્જ DySPને સોંપાઈ
છોટાઉદેપુરમાં સસ્પેન્ડેડ જજ સહિત ત્રણ વિરુદ્ધ નોંધાયેલા ચોરીના ગુનાનો કિસ્સો ટૉક ઓફ ધી ટાઉન બન્યો છે. જોકે, આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ બોડેલી ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી કે.એચ.સૂર્યવંશીને સોંપવામાં આવી છે.