Chhota Udepur
સ્વચ્છતા હી સેવા અભિયાનને ૬૦ દિવસ સુધી ચલાવીને સ્વચ્છતા મેગા ડ્રાઈવ યોજવામાં આવશે

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે આગામી ૮ અઠવાડિયા સુધી રાજ્ય વ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન વધુ વ્યાપક બનાવવામાં આવનાર છે. જેના ભાગરૂપે રાજ્યનાં શહેરો, નગરો, ગામોમાં શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન, બસ મથકો, ધાર્મિક સ્થાનો, યાત્રાધામો, પોલીસ સ્ટેશન, જાહેર માર્ગોમાં દર અઠવાડિયે રવિવારના રોજ થીમ આધારિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોએ રહેલી ગંદકી અને કચરાના નિકાલ માટે ખાસ આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં દેશ, રાજ્ય, જિલ્લો અને ગ્રામ પંચાયત આમ દરેક કક્ષાએ સ્વચ્છતાની ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પ્રમાણે કચરો નિકાલ કરી તેનું પૃથુકરણ કરી ડેટા એન્ટ્રી કરવામાં આવનારી છે. એવો કચરો કે જે માનવજાત સહીત અન્ય પ્રાણીઓ અને પર્યાવરણ માટે ઘાતકી સાબિત થાય છે તેનો આપણે સર્વેએ નિકાલ કરવો જોઈએ, પ્લાસ્ટિકની થેલીઓ, ગાંડા બાવળ, જાહેર શૌચાલયોની ગંદકી, કાગળના ટુકડાઓ, વૃક્ષોના પાંદડાઓ, ડાળીઓ, પાણીના ખાબોચીયાઓ સાફ સફાઈ કરી રોડ રસ્તાઓ,ફૂટપાથ, કમ્પાઉન્ડ વોલ, ઓફીસોમાં રહેલ નિકાલયોગ્ય વસ્તુઓનો નિકાલ કરી, દીવાલો, જાહેર સ્થળોએ રંગ રોગાણ કરી શણગારવામાં આવશે. કચરો નિકાલ કરી તેને એકત્ર કરી તેને વર્ગીકરણ કરી તેમજ સ્વચ્છ ભારત મિશન દ્વારા તેને કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત એક વિડીઓ કોન્ફરન્સ મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતુ કે વિવિધ ક્લબ, એનજીઓ, મીડિયા, સ્કુલ, કોલેજો, પી.એચ.સી, સ્વ સહાય જૂથો, આંગણવાડી, નગરપાલિકા, ગ્રામ પંચાયત, રોટરી ક્લબ, લાઈન્સ ક્લબ જેવી સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં સમર્થન આપે. સ્વચ્છતા આપણા જીવનમાં વણાઈ જાય ત્યાં સુધી આ અભિયાનને વેગવાન રાખવાનું છે.
આ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ હોઇ નગરપાલિકા વિસ્તારોમાં શહેરના પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારો, મુખ્ય રોડ, બાયપાસ, રીંગ રોડ કે હાઈ-વે આજુબાજુ સફાઈ ઝૂંબેશ તથા, સરકારી કચેરીઓ, વસાહતો, વોટરબોડીઝ સહિતના સ્થળોએ પણ સ્વચ્છતા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વળી, આ ઝુંબેશને સોશિયલ મીડિયા હેન્ડલ : ફેસબુક, ટ્વીટર, યુ ટ્યુબ દ્વારા જરૂરી હેસ્ટેગ નો ઉપયોગ કરી મહત્તમ પ્રચારિત કરી, સૌને જોડવા અનુરોધ કરવામાં આવે છે.
આ આભિયનમાં લોક ભાગીદારી ખુબ મહત્વની છે, અંબાજી, સોમનાથ મંદિર, સુરતનું ડુમ્મસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જાહેર બાગ બગીચા જેવા સ્થળોએ ખુબ જ ચોખ્ખાઈ હોય તે જરૂરી છે.
આ વિડીઓ કોન્ફરન્સને આધારે છોટાઉદેપુર જીલ્લાના કલેકટર સુશ્રી સ્તુતિ ચારણે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં એસટી ડેપો, પાણીની ટાંકીઓ, ઈ-વેસ્ટ, ડ્રેનેજ, ડસ્ટીંગ, ડીડીટી છટકાવ, નગરપાલિકા વિસ્તારમાં દરેક દુકાનો, ઓફિસોમાં ડસ્ટબિનની ખાતરી કરવી, મંદિરો, મસ્જીદો, હોસ્પિટલો, હાટ બજાર જેવા સ્થળોએ કચરો ન થાય તે માટે ખાસ આયોજન કરવા ટહેલ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન દબાણો હટાવવા, ફોરેસ્ટ કલીન રાખવા, સરકારી સ્કૂલો, બાળકોની હોસ્ટેલો વગેરે ઈમારતોને ચોક્ખી રાખવા સૂચનો કર્યા હતા.