Gujarat
ઘોઘંબા ખાતેથી “સ્વચ્છતા હી સેવા” અભિયાનની શરૂઆત કરાઈ
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ઘોઘંબા ખાતે આવેલી તાલુકા પ્રાથમિક શાળા ખાતેથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામુહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જનસહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. જિલ્લાના શહેરોના મુખ્ય સ્પોટથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓએ અભિયાન દરમિયાન સફાઈ કરવામાં આવનારી છે.
ઘોઘંબા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને સ્વચ્છતા રાખવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જે બાદ માનવ સાંકળ રચીને સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પ્રાથમિક શાળાના સંકુલમાં વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સહભાગી બનીને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ મહાનુભાવો,અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.