Ahmedabad
સ્વામીબાપા અમૃત મહોત્સવ તથા ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ઠોત્સવે જિતેન્દ્રિયપ્રિયદાસ મહારાજ તથા કેન્યાના પ્રેસિડેન્ટ ડો. વિલિયમ રુટોની શુભેચ્છા મુલાકાત.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પદાર્પણ અમૃત મહોત્સવ તથા શ્રી ઘનશ્યામ મહારાજ ૭૦ મો પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની કેન્યાના પ્રેસિડેન્ટ ડો. વિલિયમ રુટોની શુભેચ્છા મુલાકાત થઈ હતી. જેમાં પ્રેસિડેન્ટ ડો. વિલિયમે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ કાર્યોની નોંધ લીધી હતી.
કેન્યાના પ્રેસિડેન્ટ ડો. વિલિયમ જણાવ્યું હતું કે, મને શ્રી સ્વામિનારાયણ ગાદીની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદારના દિવ્ય આશીર્વાદ અને પાવનકારી સાનિધ્ય – ચરણોમાં બેસવાનો અણમોલ લ્હાવો પ્રાપ્ત થયો છે. સંતોએ પણ પ્રેસિડેન્ટ ડો. વિલિયમને આશીર્વાદ પાઠવ્યા હતા.
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર ભારતમાં ૭ વર્ષ પરિભ્રમણ કરી તીર્થોને તીર્થત્વ આપ્યું. એવાં જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ પૂર્વ આફ્રિકાની અનાર્ય ભૂમિને પોતાના પુનિત પાદારવિંદથી પાવન કરી તેને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થાય તે પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પદાર્પણ અમૃત મહોત્સવની તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી ૭૦ મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પણ ૧૨ મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ નાઈરોબી, હરામબી એનેક્સ ઓફિસમાં તે સમયના વાઈસ પ્રેસિડેન્ટ ડો. વિલિયમ સમોઈને પોતાની પોર્ટ્રેટ પેઈન્ટીંગ છબી અર્પણ કરી મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે પ્રેસિડેન્ટ ડો. વિલિયમને પ્રસન્નતાની પાઘ, શાલ, રક્ષા સૂત્ર, પુષ્પ હાર પહેરાવી, કુમકુમનો ચાંલ્લો કરી આશીર્વાદ અર્પણ કર્યા હતા. શુભેચ્છા મુલાકાતમાં સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઈના મહંત શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામી,શ્રી સચ્ચિદાનંદદાસજી સ્વામી, શ્રી શરણાગતવત્સલદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તેમજ વરીષ્ઠ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.