Uncategorized
ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ
(પ્રતિનિધિ કાજર બારીયા)
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતાનું માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે બે દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકાયો હતો.
જેમાં વિવિધ ૨૦ સ્ટોલ દ્વારા બેન્કિંગ, રસાયણ વિનાની દવાઓ, પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિની ઉપયોગિતાનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ખેતીવાડીના વિવિધ યોજનાઓના સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસગે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જબુગામ આણંદ કૃષિ યુનવર્સીટીના વૈજ્ઞાનિક ડૉ.એમ.આર. ડાભીએ પ્રાકૃતિક કૃષિ, બાગાયતી અને ખેતી પાકોમાં પાક સંરક્ષણ અંગે વક્તવ્ય અને ડૉ.રંગનાથ સ્વામીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે ઈનપુટના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જિ. પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જીઆરડી કમાંડર લીલાબેન, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ. પંચાલ, મદદનીશ ખેતી નિયામક વિરાટભાઈ દરજી, મામલતદાર, છોટાઉદેપુરના તાલુકા વિકાસ અધિકારી પુનમબેન ડામોર અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.