Gujarat
ડેસરનો તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ડેસરનો તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
સામાન્ય અને છેવાડાના માનવી સુધી જન કલ્યાણકારી સેવાઓના લાભો હાથોહાથ પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજ્ય ભરમાં સેવાસેતુ કાર્યક્રમની દશમી શ્રૃંખલા ચાલી રહી છે. વડોદરા જિલ્લામાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે ડેસર તાલુકાનાં રાજુપુરા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
ડેસર તાલુકાનાં રાજુપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૧૮ વિભાગના સ્ટોલ રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ખાતેથી ૮૯૨ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જે અંતર્ગત કુલ ૮૭૫ જેટલી રજૂઆતો મળવા પામી હતી અને તમામ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ થકી સરકારની સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી યોજનાઓના લાભો લોકો મળવાપાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્વિત કરાયું હતું. જેમાં કુલ વકતાપુરા, જેસર ગોપરી, દોલતપુરા, રામપુરી,નારપુરી, , પિપલછટ વાંટા, રાજુપુરા, ડેસર, પ્રતાપપુરા, રાજપુર, શિહોરા, ગોરસણ, મોટી વરનોલી, નાની વરનોલી, માણેકલા, નાની વરનોલી વાંટા અને ઇંટવાડા ગામના લોકોએ બહોળી સંખ્યામાં લાભ મળ્યો હતો.
આ કાર્યક્રમ રાજુપુરા ગામના સરપંચ, મામલતદાર દક્ષાબેન સોલંકી, તાલુકા વિકાસ અધિકારીતેજસ પટેલ, પદાધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
* ડેસર તાલુકાનાં ૧૭ ગામના ૮૭૫ અરજદારોની તમામ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો