Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
- તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો ૧૩૩ અરજીઓનો હકારાત્મક નિકાલ
સમગ્ર રાજયમાં યોજાઇ રહેલા સ્વાગત સપ્તાહ કાર્યક્રમને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન મળેલી ૧૩૩ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજય સરકારના મહત્વાકાંક્ષી ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં સરકાર દ્વારા સ્વાગત સપ્તાહ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. સ્વાગત સપ્તાહ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં પણ તા. ૨૪/૦૪/૨૦૨૩ થી તા. ૨૬/૦૪/૨૦૨૩ દરમિયાન તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વર્ગ-૧ના અધિકારીઓએ તાલુકા મથકે ઉપસ્થિત રહી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલી અરજીઓનો અરજદાર અને સંબંધિત વિભાગના અધિકારીની હાજરીમાં અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે છોટાઉદેપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રજાની અરજીઓ સાંભળી હકારાત્મક નિકાલ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી કવાંટ તાલુકામાં, જિલ્લા પોલીસ વડા જેતપુર પાવી તાલુકામાં, પ્રાયોજના વહીવટદાર નસવાડી તાલુકામાં, અધિક નિવાસી કલેકટર બોડેલી તાલુકામાં અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંખેડા તાલુકામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોની અરજીઓ સાંભળી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. છોટાઉદેપુર જીલ્લામાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અંગે વાત કરતા જિલ્લા કલેકટર સુશ્રી. સ્તૂતિ ચારણે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમને ૨૦ વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવાનું નકકી કર્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં યોજવામાં આવેલા ગ્રામ સ્વાગત કાર્યક્રમ દરમિયાન ૨૧૭૪ અરજીઓ મળી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં છએ છ તાલુકાઓમાંથી ૧૩૩ અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો છે તેમજ અરજદારોને વિગતે સમજ આપી મંજુરી હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. એમ જણાવી તેમણે તા. ૨૭મી, એપ્રિલના રોજ યોજાનારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ ૨૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.