Surat
સુરત માં તાપી મૈયાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
સુનિલ ગાંજાવાલા
- સુરતનાં મધ્યમાંથી પસાર થતી તાપી નદીનો જન્મદિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રી મા તાપી નદીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સૂર્યોદય ઘાટે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણીમાં મા તાપી નદીને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.
સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમનાદિવસે ઉજવવામાં આવે છે. એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. તાપી નદીના તટે વસેલા સુરત શહેરના લોકોની આસ્થા તાપી નદી સાથે અતૂટ રીતે જોડાયેલી છે.ભક્તિ ભાવપૂર્વક તાપી માતાનો જન્મ ઉત્સવ દબદબાભેર ઉજવાય છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહિત કુરુક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણીઓ અને સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સૂર્યપુત્રી મા તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરમાં કુરુક્ષેત્ર પવિત્ર સ્થાને મા તાપી માતાના જન્મદિવસ નિમિતે લોકોએ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરીને ચૂંદડી અર્પણ કરી.જેમ ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. આજે તાપી માતાનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં કુરુક્ષેત્ર ધામ ખાતે ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મા તાપીને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી