Editorial
શિક્ષક દિવસ વિશેષ કથા : કહાની એક કર્મયોગી શિક્ષકની !
કર્મઠ અને નિષ્ઠાવાન શિક્ષક અશોક પ્રજાપતિએ શિક્ષણના કર્મયોગ સાથે સાધલી પ્રાથમિક શાળાની કાયાપલટ કરી
પ્રજાપતિના અથાગ પ્રયત્નોના કારણે સરકારી શાળામાં ખાનગી શાળા કરતા પણ અદ્યતન સુવિધાઓ
સ્માર્ટ ક્લાસરૂમ, ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય, સી.સી.ટી.વી.થી સજ્જ શાળા અને ઘણું બધું…
શિક્ષણ પ્રત્યેની લાગણી અને સેવાના ભાવથી અસાધારણ શિક્ષક બન્યા અશોકભાઈ પ્રજાપતિ
શિક્ષણથી માનવ જીવનનું કલ્યાણ છે. શિક્ષણના માધ્યમથી એક ગુરૂ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરે છે. તેથી જ કહેવાય છે કે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ આજીવન શિક્ષક અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસે પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે જો શિનોર તાલુકાની સાધલી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિને યાદ ન કરીએ, તો શિક્ષક દિવસની ઉજવણીને આપણે પરિપૂર્ણ ના કરી શકીએ !
મહા કૌટિલ્ય ચાણક્યનું સૂત્ર છે ને, ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’. બસ આ જ સૂત્રને અશોકભાઈ પ્રજાપતિએ હૂબહૂ સાર્થક કર્યું છે. વર્ષ-૨૦૧૨ માં મુખ્ય શિક્ષક તરીકે અશોકભાઈ પ્રજાપતિએ સાધલી ગામની પ્રાથમિક શાળામાં પગ મૂક્યો અને બાળકો માટે કંઈક કરી છૂટવાની ટેક લીધી. શાળાનું જર્જરિત મકાન તેમને હંમેશા વિચારોથી વ્યસ્ત રાખતું હતું. રજૂઆત, માંગણી અને સફળ પ્રયાસો બાદ ‘સર્વ શિક્ષા અભિયાન’ હેઠળ વર્ષ-૨૦૧૫ માં શાળાને નવનિર્મિત ઈમારત મળી. અહીંથી શાળાનો શરૂ થયેલો વિકાસ દિવસે ને દિવસે ગતિમાન બનતો ગયો. ત્યારબાદ શાળામાં ભૌતિક સુવિધાઓ સાથે શૈક્ષણિક સુવિધાની સિદ્ધિઓ ઉમેરાતી જ ગઈ. સ્માર્ટ ક્લાસરૂમ, પ્રોજેક્ટર, સી. સી. ટી. વી. થી સજ્જ શાળા અને પરિસર, સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, મધ્યાહન ભોજન માટે અલાયદી વ્યવસ્થા જેવી અનેક સગવડતાઓએ સાધલી પ્રાથમિક શાળાને ખાનગી શાળાને ટક્કર આપવા માટે યોગ્ય બનાવી. હવે તો સ્થિતિ એવી છે કે, સાધલી અને આસપાસના ગામના બાળકો ખાનગી શાળામાંથી અભ્યાસ છોડીને અહીં ભણવા માટે આવી રહ્યા છે.
એક સમયે જે શાળામાં માંડ ૩૦૦ બાળકો ભણવા આવતા હતા, ત્યાં અત્યારે ૪૧૦ થી પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વળી ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય હોવાથી આચાર્ય સહિતનો શાળાનો સ્ટાફ ગૌરવભેર શાળાની પ્રશંસા કરે છે. અહીં તમે કોઈ પણ બાળકને પૂછો અને શાળાનો પ્રતિભાવ માગો તો એમ જ કહે કે, ‘ફરી ભણવાનું મન થાય તેવી શાળા છે.’ ધો.૮ સુધીનું જ અહીં શિક્ષણ હોવાથી આ વર્ગના બાળકોને વસવસો પણ ખરો. સાધલીના રહેવાસી સબ્બીર રાઠોડ નામના વાલી એ તો ત્યાં સુધી કહ્યું કે, ‘આચાર્ય પ્રજાપતિની શિક્ષણ પ્રત્યેની લાગણી અને સેવાના ભાવ, અભિગમને હું અભિનંદન પાઠવું છું. રાજ્યભરની શાળાઓને જો આવા આચાર્ય મળે તો શિક્ષણ ક્ષેત્રમાં કોઈ કચાશ બાકી નહીં રહે.’
અશોકભાઈ પ્રજાપતિના કાર્યકાળ દરમિયાન શાળાએ મેળવેલી સિદ્ધિ પર એક નજર કરીએ તો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળાને વર્ષ ૨૦૧૮-૧૯ નો સ્વચ્છતા એવોર્ડ મળ્યો. શિક્ષણ વિભાગના મહત્વકાંક્ષી કાર્યક્રમ સ્કૂલ ઓફ એક્સેલેન્સમાં શાળાનો સમાવેશ થયો. ગુણોત્સવ ૨.૦ માં યલો ગ્રેડ મળ્યો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ ના અમલીકરણના ભાગરૂપે કેન્દ્ર સરકારની પીએમની યોજનામાં વડોદરા જિલ્લાની માત્ર ૮ શાળાઓની પસંદગી થઈ, જેમાં સાધલીની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા સમાવિષ્ટ છે. પ સપ્ટેમ્બર ૨૦૧૮ માં પ્રજાપતિને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના સન્માનથી નવાજવામાં આવ્યા – આ તમામ શાળાના ગૌરવને પ્રતિબિંબિત કરે છે.
શિક્ષકોના સમાજ પ્રત્યેના યોગદાનની નોંધ લેવા માટે ૫ સપ્ટેમ્બરે ઉજવાતા શિક્ષક દિવસની ઉજવણી ખરેખર આવા કર્મનિષ્ઠ અને શિક્ષણની સાધના થકી ઉમદા કાર્ય કરતા શિક્ષકોથી સાર્થક થાય છે. વડોદરાના શિક્ષણના સાધક સ્વરૂપ આવા તમામ શિક્ષકો અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે.