Ahmedabad
ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૭ મી જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ…
આપણી જ્ઞેય, ધ્યેય અને ઉપાસ્યમૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીમુખે ગઢડા મધ્ય પ્રકરણના ૫૮ મા વચનામૃતમાં કહ્યું છે, જે સંપ્રદાયની પુષ્ટિ તેના શાસ્ત્રથી જ થાય છે. દરેક સંપ્રદાયમાં પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત જીવો હોય છે જ. તેમ આપણાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ તે ઉપરાંત સાત ધામોના મુકતો પોતાના આત્યંતિક કલ્યાણ માટે આવે છે એ વિશેષ છે. જે મૂર્તિના દર્શન ફક્ત અક્ષરધામમાં પોતાના પરમ એકાંતિક મુક્ત જે પોતાને સમીપે રહ્યા છે તે તથા અનાદિ મુક્ત જે મૂર્તિમાં રસબસ રહ્યા છે તેમને જ છે; બીજા કોઈને એ મૂર્તિનાં દર્શન નથી. એવી અગમ્ય, અદ્વિતીય મૂર્તિએ જીવોના મોક્ષ કરવા માટે આ મનુષ્યલોકમાં દર્શન દીધાં. તે શ્રીમુખે કહ્યું છે, જે સત્શાસ્ત્રો પણ સત્પુરુષ થકી જ સમજાય છે પણ પોતાની બુદ્ધિથી સમજાતાં નથી. તેમજ પોતાનું સ્વરૂપ પણ પોતાના મુકતોને જ ગમ્ય છે, તેવા સત્પુરુષ કે સ્વસિદ્ધ મુકતો તે થકી જ સમજાય છે, પ્રાપ્ત થાય છે, અનુભવાય છે, પણ તે સિવાય બીજા કોઈ સાધને, કોઈ કાળે, જાણી – અનુભવી શકાય તેમ નથી.
શાસ્ત્રમાર્ગમાં ગુરુ ભાગ હોય છે. મોટાપુરુષના શબ્દોરૂપી અમૃતવાણી અમૃત પીરસે છે તે અમૃતનું પાન જે મુમુક્ષુ કરે તે જરૂર અમર બને છે. તેમ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રીની વાતોની જે એક વખત પણ પારાયણ કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને અંતકાળે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાનો ૧૨૫ વર્ષ આ પૃથ્વી ઉપર રહેવાનો સંકલ્પ પૂરો કરવા સંવત ૧૯૦૧ કારતક સુદ એકાદશીના જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી સ્વરૂપે પુન: પધાર્યા. આ જીવનપ્રાણ અબજીબાપાશ્રી સ્વતંત્ર સિદ્ધ સમાધિવાળા અને અતિ સમર્થ હતા તથા શ્રીજીમહારાજ તેમના દ્વારા સર્વોપરી ઉપાસના અને સ્વરૂપનિષ્ઠાની દ્રઢતા સહુને કરાવે હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન એક જ છે અને અનાદિ મુક્ત અનેક છે ને અનેક થાય છે અને અનેક થશે; તે સર્વેને સુખના દાતા છે અને અનાદિ મુક્ત સર્વે એ એક જ મૂર્તિના સુખ ભોક્તા છે, એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ, સ્વસિદ્ધ શ્રીજીસ્વયંમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રી.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કચ્છમાં પ્રગટ થયેલ અબજીબાપાશ્રીએ જે સર્વ શાસ્ત્રોના સારરુપ જ્ઞાન પીરસ્યું છે તે તો અદ્ભૂત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખવા અને તેમણે સમજાવેલ અનાદિમુક્તની સ્થિતિનું નિરુપણ,ભગવાનની મૂર્તિમાં રહીને કેવી રીતે સુખ લેવું.ભગવાનને કેવી રીતે પામવા એ જે એમણે જ્ઞાન આપ્યું છે તે અલૌકિક છે.તેમના એક એક બોલ ત્રિવિધિના તાપનું સંતાપ હરનારા છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો અને સત્શાસ્ત્રો માણસના જીવનને ઘડે છે. જીવનપ્રાણ બાપાશ્રીની વાતો વાંચવાથી આપણને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. “શ્રીજીસ્વયંમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો” ગ્રંથનું પ્રાગટ્ય સંવત ૧૯૬૨ના વૃષપુરમાં સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા વગેરેના પાવન સાનિધ્યમાં થયું હતું. શ્રીજીસ્વયંમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની અનુભવની વાણી એટલે “શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો” છે. શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો અમૃત છે ; જે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોનું શ્રવણ કરશે તેનું જીવન પણ અમૃત સમાન બને છે. આ ગ્રંથમાં મૂર્તિના સુખની લ્હાણી જ છે. જ્યાં જુઓ ત્યાં મૂર્તિમાં રેહવાની લટક શીખવાડી છે.મનની દરેક સમસ્યાઓના ઉકેલ મળી જાય છે. જીવનપ્રાણ બાપાશ્રીએ સ્વંય કહયું છે કે, તમો જયારે મુશ્કેલીમાં હોવ ત્યારે અમને સંભારો તો અમો તત્કાળ આવીને ઉભા રહીશું, અને તમારા તમામ પ્રકારના દુઃખોનું નિવારણ કરી દઈશું. તો આપણે અવશ્ય ઓછામાં ઓછી જીવનપ્રાણ બાપાશ્રીની એક વાત તો અવશ્ય વાંચવી જ જોઈએ.
આવા મહાન ગ્રંથની ૧૧૭મી જયંતીની ઉજવણી ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી સદ્ગુરુ સંતો સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરેએ સાથે મળીને ઉલ્લાસભેર કરી હતી. જેમાં પૂજનીય સંતોએ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાનું મહિમાગાન, બાપાશ્રીની વાતોનું પૂજન, અર્ચન, આરતી તેમજ ઓનલાઈન દર્શન – શ્રવણ કર્યું હતું. આવા અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ભક્તિભાવપૂર્વક લીધો હતો.