Ahmedabad
સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં ૨૨૧મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
- આફ્રિકનો “સ્વામિનારાયણ” મહામંત્રની ધૂન તાળીના તાલે બોલી ઝૂમી ઊઠ્યા
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં ૨૨૧મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પરમ ઉલ્લાસભેર કરાઈ હતી.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આજથી ૨૨૧વર્ષ પહેલાં સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૯૫૮ના માગશર વદ એકાદશી – સફલા અગિયારસના રોજ ફણેણી ગામમાં પોતાના સંતો હરિભક્તોને મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ” નામ આપ્યું હતું.
ત્યારથી આ સંપ્રદાય “સ્વામિનારાયણ સંપ્રદાય ”તરીકે પ્રસિદ્ધ થયો હતો. ને ત્યારપછી સૌ કોઈ સહજાનંદ સ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખાતા થયા હતા. આથી આ માગશર વદ એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત, પ્રેત આદિ નાશી જાય છે.
આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે. આલોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખશાંતિને પામે છે. આ મંત્રનો જાપ કરનારને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.
વળી, આજે શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અહીંના આફ્રિકનો “સ્વામિનારાયણ” મહામંત્રની ધૂન તાળીના તાલે બોલી ઝૂમી ઊઠ્યા હતા. આ પાવન અવસરનો દિવ્ય લાભ સંતો અને દેશ વિદેશના હરિભક્તોના વિશાળ સમુદાયે પણ લીધો હતો.