Ahmedabad
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, કરજીસણનો ૪૭ મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણનો ૪૭ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન ૩૬ વખત કરજીસણ પધાર્યા હતા તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ નાદવંશીય પરંપરાના પાદાર્પણથી અનેકવાર પાવન થયેલી આ કરજીસણની ભૂમિ. નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તથા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આ ભૂમિ પર પધારી કારણ સત્સંગના બીજ રોપ્યાં હતા.
જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અવિરત વિચરણથી કરજીસણ ગામમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના મૂર્તિઓની ષોડશોપચાર વિધિથી પૂજન- અર્ચન કરી અન્નકૂટ આરતી ઉતારી હતી. આ પાવનકારી પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથાવાર્તા, પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપણાં જીવનને સુંદર, સુશીલ , ગુણમય બનાવવા માટે સાચા સત્પુરુષની આવશ્યકતા હોય છે એટલે કે સાચા સંતની જરૂરિયાત હોય છે એટલે કે સતસંગની જરૂરિયાત હોય છે. જીવાત્માને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે સત્સંગ જરૂરી છે. જીવને બળવાન બનાવવા માટેનું સૌથી સરળ સાધન છે ભગવાનની કથા વાર્તા છે. ભગવાનની કથાવાર્તાથી જીવનમાં રૂડા ગુણ આવે છે તેનાથી મનુષ્યનું જીવન એકદમ સુખમય, શાંતિમય અને આનંદમય પસાર થાય તથા આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે મંદિરોનાં નિર્માણ કર્યાં છે. જે મુમુક્ષુ દરરોજ સવારે મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન જરૂર ભેગા ભળશે. સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરાઈ હતી. આ દિવ્ય અને ભવ્ય અવસરનો લ્હાવો દેશો દેશનાં હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક લીધો હતો.