Panchmahal

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વીંઝોલ ખાતે ચોથો યુવક મહોત્સવ “સ્પંદન ૨૦૨૩” કાર્યક્રમ યોજાયો

Published

on

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્સવ સ્પંદન-૨૦૨૩નો ઉદ્ઘાટન સમારોહ આજે, તા.૨૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગે સંસદીય બાબતો, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ઉચ્ચશિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને તથા પંચમહાલના સંસદસભ્ય રતનસિંહજી રાઠોડના મુખ્ય મહેમાનપદે વીંઝોલ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં યુવક મહોત્સવના સંયોજક ડૉ.કિશોર વ્યાસે યુવક મહોત્સવની રૂપરેખાનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રેક્ષકોને આવકાર્યા હતા. પોતાના વક્તવ્યમાં કુલપતિએ યુનિવર્સિટીની સ્થાપના બાદના ૭ વર્ષમાં યુનિવર્સિટીએ કરેલી અભૂતપૂર્વ પ્રગતિનો ચિતાર આપ્યો હતો.

Advertisement

P.Hdના સંશોધન માટે મળતી કે.સી.જી.ની સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીસંખ્યાની બાબતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી રાજ્યની યુનિવર્સિટીઓમાં ત્રીજા ક્રમે આવી છે, એ વાતનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાલ, સૂતરની આંટી અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ઉદ્ઘાટક અને અધ્યક્ષ તથા શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના ઉદ્દબોધનમાં કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં યુનિવર્સિટીએ કરેલા અભૂતપૂર્વ વિકાસની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે યુવા મિત્રોને અખંડ રાષ્ટ્રની રચનામાં યોગદાન આપવા માટે આહવાન કરી હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની સલાહ આપી હતી.તેમણે મિસાઈલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની પ્રેરણાદાયક વાતો જણાવીને ધર્મ-જાતિ-વર્ણ કે વર્ગના ભેદોથી ઉપર ઊઠીને ‘એક રાષ્ટ્ર ,શ્રેષ્ઠ રાષ્ટ્ર’ ને ચરિતાર્થ કરવા પર ભાર મૂક્યો હતો.તેમણે ઉપસ્થિત સર્વેને ‘રાષ્ટ્ર પ્રથમ’નો સંકલ્પ આપ્યો હતો.સભામંડપમાં ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓની શિસ્ત અને સંસ્કારિતા જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Advertisement

આ તકે સાંસદ રતનસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરી વિવિધ સ્પર્ધાઓના સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ યુવક મહોત્સવ પ્રસંગે પ્રકાશિત સ્મરણિકા ‘સ્પંદન ૨૦૨૩’ નું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.અનિલભાઈ સોલંકીએ આભારવિધિ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ઉદ્ઘાટન સમારોહ પૂરો થયો હતો.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ સી.કે.રાહુલજી, ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, આર.બી.કાર્સના રમેશભાઈ પટેલ,સમારોહમાં યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, યુનિવર્સિટી સંલગ્ન ૨૭૦ કોલેજોના આચાર્ય,અધ્યાપકો, યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રોના પ્રોફેસર્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ, વિદ્યાર્થીઓ, વિશેષ આમંત્રિતો વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version