Chhota Udepur
છોટાઉદેપુર હોસ્પિટલમાંથી ભાગેલો આરોપી ભારે દોડધામ બાદ પકડાયો
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાંથી હાથકડી માંથી હાથ કાઢીને ફરાર થઈ ગયેલા આરોપીને જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે મધ્ય પ્રદેશમાંથી ઝડપી પાડયો છે.
છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ગત સોમવાર તા. ૨૨ જુલાઈના રોજ સવારે લગભગ આઠ વાગ્યાના અરસામાં ચોરી, પોક્સો, અપહરણના કેસનો આરોપી પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા (રહે. નિશાળ ફળિયા, કોલિયાથોર, તા.જિ.છોટાઉદેપુર) દાખલ હતો. ત્યાંથી જાપ્તા પોલીસની નજર ચૂકવી ચકમો આપીને ભાગી ગયો હતો.
જેની શોધખોળ છોટાઉદેપુર જિલ્લા પોલીસ ચલાવી રહી હતી. ત્યારે જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડના પી.એસ.આઇ. જે.ડી.રાઠોડને બાતમી મળી હતી કે, ફરાર થયેલો આરોપી પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગોળઆંબા ગામથી જૂના કઠિવાડા વહેલી સવારે જવાનો છે, જેથી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જ્યારે પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા ગોળઆંબા ગામથી જૂના કઠીવાડા જવા નીકળ્યો ત્યારે તેને ગોળઆંબા ગામથી જ ઝડપી પાડીને છોટાઉદેપુર લઈ આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. આમ છોટાઉદેપુર જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને મોટી સફળતા મળી હતી.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)