Ahmedabad
અમદાવાદ ના સોનીની ગાડીને આંતરી બંદૂકની અણી લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયા

ભરૂચ જિલ્લાના ઝનોર નજીક અમદાવાદ ના સોનીની ગાડીને આંતરીને બંદૂકની અણીએ 200 તોલા સોનાના દાગીના અને 3 થી 4 લાખ રોકડાની લૂંટ કરી નાસી છૂટેલા લૂંટારુઓને શિનોર પોલીસે સેગવા ચોકડી પાસેથી દબોચી લઈને સોના ના દાગીના,કાર અને રોકડ રકમ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં આંગડિયા અને સોનાના વેપારીને ટાર્ગેટ બનાવીને લૂંટ ચલાવવાની ઘટનાઓ સતત વધી રહી છે.ત્યારે વધુ એક લૂંટની ઘટના ભરૂચ જિલ્લાના ઝનોર ખાતે બની હતી.જેમાં અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તારમાં જવેલર્સની શોપ ધરાવતાં મુકેશભાઈ સોની ભરૂચ ખાતે કાર લઈને સોનાના દાગીના આપવા માટે જઈ રહ્યાં હતાં.તે દરમિયાન બે વાહનોમાં આવેલા બુકાનીધારી લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઇલમાં સોની ની કાર ને ઝનોર પાસે આંતરીને બંદૂકની અણીએ 200 તોલા સોના ના દાગીના અને આશરે ત્રણ થી ચાર લાખ રૂપિયા રોકડા ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં.બનાવ ની જાણ થતાં જ ભરૂચ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને લૂંટારુઓને ઝડપી પાડવા તમામ એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી કરી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.
જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રોહન આનંદ દ્વારા નાકાબંધી કરવા માટે આપેલ સૂચના અનુસાર શિનોર પોલીસ દ્વારા સેગવા ચોકડી ખાતે નાકાબંધી કરીને વાહન ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન સાધલી તરફથી ગ્રે કલર ની કાર આવતાં તેને રોકીને તપાસ કરતાં કારમાંથી ઝનોર ગામે લૂંટની ઘટના ને અંજામ આપનાર ત્રણ આરોપી મળી આવતાં શિનોર પોલીસે આરોપી સંદીપ પટેલ,કરણ પટેલ અને પ્રવીણ વાઘ ની અટકાયત કરી,આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 79000 ,સોનાની વીંટી નંગ 35 જેની કુલ કિંમત રૂપિયા 3,58,500 અને એક કાર કિંમત રૂપિયા 8 લાખ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી આશરે રૂપિયા 12,52,500 નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબ્જે કરી લૂંટ ની ઘટના ભરૂચ જિલ્લાના ઝનોર ગામે બની હોવાથી વધુ તપાસ માટે પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ ને ભરૂચ જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યાં હતાં.ત્યારે ભરૂચ જિલ્લાના ઝનોર ગામે દિલધડક લૂંટ ની ઘટનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડનાર શિનોર PSI સી.એમ.કાંટેલિયા,હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ રાઠવા,પોલીસ કોન્સ્ટેબલ સુભાષભાઈ,પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ની સરાહનીય કામગીરી ને લોકોએ બિરદાવી હતી.