Gujarat
એકતાનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી નિહાળી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા
રાજપીપલા, સોમવાર :- સૌરાષ્ટ્ર-તમિલ સંગમની ઉજવણી સદીઓના સંબંધોની યાદ તાજી કરવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના ચોથા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝુમી ઉઠ્યા હતા. આ તમિલ સંગમ ઉજવણી ખરા અર્થમાં યાદગાર પુરવાર થઈ રહી છે. વિશ્વમાં સૌથી વધુ પ્રેમાળ, લાગણીશીલ, કરુણામય અને સંબંધોને મહત્વ આપનાર ભારત દેશ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને ચરિતાર્થ કરી રહેલા રાજ્યોના બાંધવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને જોઈને અચરજ બન્યા હતા. સરદાર સાહેબના સાનિધ્યમાં રવિવારની રાત્રિ એકતાનગરની યાદગાર રાત્રિ બની હતી. ટેન્ટસીટી-2 ખાતે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સે બઢ કર એક પોતપોતાના રાજ્યની કલા-સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા ચુનંદી કૃતિઓ અને કલાકારોને પસંદ કર્યા હતા. તમિલ કલાકારોએ પરંપરાગત નૃત્ય “નટશા કૌથુવમ” પ્રસ્તુત કર્યું હતું. ભાવ, રાગ, તાલ અને નાટ્ય પરથી ઉતરી આવેલા અને તમિલનાડુ ક્ષેત્રમાં ઉદગમ પામેલી એક શાસ્ત્રીય નૃત્ય શૈલી ભરતનાટ્યમની પ્રસ્તુતિના પ્રારંભમાં “નટેષ કૌત્વમ” કૃતિ પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારબાદ કથ્થક શૈલી પર “નર્મદા અષ્ટકમ” ની પ્રસ્તુતિએ તમામ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. તમિલનાડુની કલા અને સંસ્કૃતિ સાથે ગુજરાતનો “ગ્લોબલ ગરબો” પણ ગુજરાતની આગવી ઓળખ છે. જ્યાં “કરગટ્ટમ” અને “થપ્તમ” જેવા લોકપ્રિય નૃત્યોએ બંને રાજ્યોના સાંસ્કૃતિક કલા-વારસાએ યાત્રિકોને સ્તબ્ધ કર્યા હતા.
ગુજરાતના કલકારો દ્વારા એકતાનગર ખાતે હુડો, રાસ, સાંબેલા, સુપડા, ડાંડિયા, છત્રી, માંડવી એમ અલગ-અલગ પ્રાદેશિક નૃત્યોને ભેગા કરીને તૈયાર થયેલ “ઝુમખુ” ની ઝાંખી નિહાળી તમિલ લોકો આનંદિત થયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાના નેતૃત્વમાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલની નિગરાણી તળે “ડે ટુ ડે” આયોજનબદ્ધ અને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરીને વિવિધ પ્રકલ્પો જોવા લઈ જવામાં આવે છે.
દેશના અખંડ ભારતના પ્રણેતા, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ જોઈને અચરજ પામે છે. તેમના સાનિધ્યમાં પ્રદર્શન ફોટોગેલરી જોઈને તેમના જીવનકવનને નજરે નિહાળી ભાવવિભોર બને છે. બંને તમિલનાડુ-ગુજરાત રાજ્યોના બાંધવો સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં શ્રધ્ધાના ભાવ સાથે જોડાઈ રહ્યા છે. કાર્યક્રમને અંતે કલાકારોને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. અને વિવિધ કલાકારોના ગૃપો દ્વારા સમૂહ તસ્વીર ખેંચાવીને યાદગીરીને કાયમ કરી હતી.
આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી કેતુલભાઈ મહેરીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી વી.બી.વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર સહિત તંત્રના કાર્યવાહક અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કલાકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રવિવારે એકતાનગર ચોથા પડાવમાં રાત્રે ટેન્ટસિટી -02 ખાતે યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ તમિલ બાંધવો માટે યાદગાર બની રહ્યો
ગુજરાતનો ગરબો…તમિલનું ભરતનાટ્યમ અને કથ્થક અને કલાકૃતિ એક સે બઢ કર એક..
સેલ્ફી…વાહ…ક્યા…બાત…હૈ..તાળીઓના ગડગડાટથી પ્રેક્ષાગૃહ ગુંજી ઉઠ્યું
કલા-સંસ્કૃતિ-પરંપરાની ઉજવણીનું મહાપર્વ એટલે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ
વંદન, અભિનંદન, સૌરાષ્ટ્ર-તમિલ સંગમ…નમસ્કાર…વણક્કમ