Ahmedabad
વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા મીઠાં પાણીના સરોવર લેક વિક્ટોરિયામાં આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી ના અસ્થિ વિસર્જન કરાયા
વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું મીઠાં પાણીનું સરોવર – લેક વિક્ટોરિયામાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં અસ્થિ સુમન વિસર્જન કરતા આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ…..વિક્ટોરિયા તળાવ એ આફ્રિકાનું સૌથી મોટું અને વિશ્વમાં બીજા ક્રમનું મીઠા પાણીનું તળાવ છે. તળાવને કાંઠે યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યા દેશો છે.
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી આચાર્ય સ્વામીજી મહારાજે દેશ વિદેશમાં સત્સંગ વિચરણ કરીને હજારો હરિભક્તો પર સંસ્કાર વર્ષા કરીને સત્સંગની હરિયાળી પાથરી છે.
ધનુર્માસના પોષ વદ એકમના પવિત્ર દિવસે અષ્ટોત્તર શતનામ જનમંગલના નામોચ્ચાર સહ પૂજન અર્ચન સુસંપન્ન થયા બાદ લેક વિક્ટોરિયામાં અવિસ્મરણીય દિને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં પવિત્ર અસ્થિ સુમન – પુષ્પોનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અસ્થિ સુમન વિસર્જન અવસરે વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું મહિમા ગાન, ધૂન અને કીર્તન સ્તવન કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓશ્રીના અનુગામી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા મોટેરા સંતો-મહંતો અને હરિભક્તોએ અસ્થિ કુંભનું કંકુ-ચોખા, અબીલ ગુલાલ, પુષ્પોથી વૈદિક મંત્રોચ્ચાર સહ પૂજન અર્ચન કર્યા બાદ સર્વેએ આરતી ઉતારી હતી.
શ્રી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય દ્રષ્ટિ દ્વારા અસ્થિ સુમન વિસર્જનના મુખ્ય સંકલ્પ સાથે જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજની દૃષ્ટિ કરાવતા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના અસ્થિ સુમનનો અભિષેક લેક વિક્ટોરિયામાં કર્યો.સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પાદારવિન્દથી પાવન થયેલી લેક વિક્ટોરિયા ઉત્સાહિત દીસતું હતું.