Gujarat
જી-૨૦ સમિટમાં પધારેલા પ્રતિનિધિઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને અર્પી અંજલિ
ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવવામાં આવેલ કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવનની આજરોજ જી-૨૦ સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. કેપીએમજીના રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ વિશેની માહિતી આપીને જીએસડીએમ વતી સ્વાગત કર્યું હતું. સ્મૃતિવન મ્યૂઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઓની પ્રતિનિધિઓએ વિઝીટ કરી હતી. આ સાથે અંતિમ ગેલેરીમાં ભવિષ્ય માટેનો સંદેશ પણ પ્રતિનિધિઓએ લખ્યો હતો અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે ત્યારે અહીં જી-૨૦ના સભ્યઓને ધ્રુજારી , ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
આ સાથે સ્મૃતિવનમાં મ્યૂઝિયમના કુલ સાત બ્લોક જે પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણને દર્શાવે છે તેને પ્રતિનિધિશ્રીઓએ નિહાળ્યા હતા. ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલિન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી જી-૨૦ના ડેલીગેટસ એ માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન ભારત સરકાર ટૂરિઝમ વિભાગના સેક્રેટરી અરવિંદ સિંઘ, ગુજરાત ટૂરિઝમ વિભાગના સેક્રેટરી હારિત શુક્લા, જોઈન્ટ એમડી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, વિદેશ મંત્રાલયના અધિકારી અંકિત જૈન, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.