Chhota Udepur

જમણવાર ચાલુ હતો ને વરસાદ તુટી પડયો મહેમાનો થાળીઓ લઈને ભાગ્યા

Published

on

છોટાઉદેપુર જિલ્લા ના જેતપુરપાવી સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. લોકોએ ઉનાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનુ પણ અનુભવ કર્યો હતો. છોટાઉદેપુરમાં અસહ્ય ગરમી બાદ જેતપુરપાવી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. જેતપુરપાવી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વરસાદ થતા જેતપુરપાવીના સેલવા ગામે ભરબપોરે ઉનાળામાં માવઠું થતા લગ્નમાં નાસભાગ મચી ગઈ હતી. સેલવા ગામે યોજાયેલા લગ્નમાં વિવિધ તૈયારીઓ ચાલી રહી હતી જેમાં દૂલ્હનને તૈયાર કરવા સહિતની કામગીરી લગ્નમાં જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. આવામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને લોકો કશું સમજે તે પહેલા તો તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું. શરુઆતમાં તો લગ્નમાં આવેલા મહેમાનો વરસાદથી બચવા માટે ઝાડ નીચે અને મંડપ નીચે ઉભા રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદનું જોર વધતા લોકોએ પલળી ના જવાય તે માટે સુરક્ષિત સ્થળ પર પહોંચવા માટે દોડવા લાગ્યા હતા.

મંડપની અંદર પણ પાણી પડતા લોકોએ દોડધામ કરી મૂકી હતી. સેલવામાં લગ્નમાં વરસાદ તૂટી પડતા જે લોકો જમણવાર કરી રહ્યા હતા તેઓને પણ મંડપની અંદર પલળી જવાનો ડર લાગતા અંતમાં ત્યાંથી જમવાનું ભરેલી થાળીઓ લઈ સુરક્ષિત સ્થળ પર ભાગવા લાગ્યા હતા. પુરુષો, મહિલા અને બાળકો લગ્નના રંગમાં હતા અને વરસાદ ભંગ પાડી દીધો હતો. શરુઆતમાં મંડપની નીચે ઉભા છીએ તો વાંધો નહીં આવે તે માનીને ઉભેલા લગ્નમાં આવેલા મહેમાનો પણ વરસાદે જોર પકડતા ત્યાંથી જમવાની થાળીઓ હાથમાં લઈને જ દોડતા થયા હતા. ઘડીવારમાં તો મંડપ નીચે ઉભેલા એક પછી એક લોકોએ દોડાદોડી કરી મૂકી હતી. લગ્નમાં ભાગ લેનારા વરરાજા અને દુલ્હનની સાથે પરિવારના સભ્યો અને જાનૈયાઓને આ લગ્ન યાદ રહી જશે. માવઠું પડ્યા બાદ અટકી ગયા પછી પણ લગ્નમાં આવેલા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડો-મોડો ઉનાળો જામ્યા બાદ અચાનક હવામાનમાં પલટો આવતા રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થયો છે. છોટાઉદેપુર સહિત બોડેલી, કવાંટ, જેતપુરપાવી, નસવાડી સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો છે. કમુરતા પૂર્ણ થતા હાલમાં લગ્નની સીઝન પુરબહારમાં જામી છે. ત્યારે અત્યારે ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન સમારંભ ચાલી રહ્યા છે. જેતપુરપાવી તાલુકાના સેલવા ગામે એક લગ્ન સમારંભમાં જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક વરસાદ પડવાનો શરૂ થતા જમવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

Advertisement

Trending

Exit mobile version