Vadodara
જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધાનસભાના મતદાન મથકોના પુનર્ગઠન અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
વડોદરા શહેર જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ મતદાન મથકોની સંખ્યા ૨૫૮૯ થી ઘટીને ૨૫૫૦ જ્યારે મતદાન મથક સ્થળની સંખ્યા ૧૨૮૭ થી વધીને ૧૨૯૩ કરવા અંગેની દરખાસ્ત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને જિલ્લાની દસ વિધાનસભાના મતદાન મથકોના પુનર્ગઠન માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ મતદાન મથકોની સંખ્યા ૨૫૮૯ થી ઘટીને ૨૫૫૦ થશે.જ્યારે મતદાન મથક સ્થળની સંખ્યા ૧૨૮૭ થી વધીને ૧૨૯૩ કરવા અંગેની દરખાસ્ત કરવામાં આવી છે. ગોરે મતદાન મથકોના પુનર્ગઠન અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથકો તેમજ મતદાન મથકોના સ્થળની વધારા ઘટાડા માટેની જરૂરી દરખાસ્ત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ મોકલવામાં આવશે. જે દરખાસ્તોને ભારતના ચૂંટણી પંચની મંજુરી મળતા તે મુજબનો સુધારો મતદાન મથકો અને મતદાન મથક સ્થળમાં થશે એમ ગોરે ઉમેર્યું હતું.
ઈન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કોમલ પટેલે જણાવ્યું કે, પુનર્ગઠન બાદ સાવલી વિધાનસભા મત વિભાગમાં ૨૬૩,વાઘોડિયામાં ૨૮૧,ડભોઇમાં ૨૬૯, વડોદરા શહેરમાં ૨૫૯, સયાજીગંજમાં ૨૬૧, અકોટામાં ૨૪૫,રાવપુરા ૨૭૪, માંજલપુરમાં ૨૧૮, પાદરામાં ૨૪૧ અને કરજણ વિધાનસભા મત વિભાગમાં ૨૩૯ સહિત કુલ ૨૫૫૦ મતદાન મથકો રહેશે.આમ,પુનઃગઠન બાદ ૩૯ મતદાન મથકોનો ઘટાડો થયો છે,જ્યારે ૧૧ મતદાન મથકોનો વધારો થયો છે.એવી જ રીતે મતદાન મથક સ્થળમાં ૨૭ નો ઘટાડો અને ૩૩ નો વધારો થયો છે.
સાવલી વિધાનસભા મત વિભાગમાં ૧૦,વાઘોડિયામાં ૦૭,વડોદરા શહેરમાં ૦૩,પાદરામાં ૦૫ અને કરજણમાં ૦૭ , રાવપુરા ૦૭ સહિત કુલ ૩૯ મતદાન મથકોનો ઘટાડો થયો છે.જ્યારે વાઘોડિયામાં ૦૧,ડભોઇમાં ૦૫,વડોદરા શહેરમાં ૦૧, અકોટામાં ૦૩ અને માંજલપુરમાં ૦૧ સહિત કુલ ૧૧ મતદાન મથકોનો વધારો થયો છે. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિત, ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મીઓ હાજર રહ્યા હતા.