Gujarat
વીજબિલ સમયસર આવી જાય છે પણ લાઇટ સમય સર નથી આવતી!
જેતપુરપાવી તાલુકાનાં આંબાખુંટ ગામે રાત-દિવસ ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાતાં લોકો પરેશાન
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જેતપુરપાવી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં એમજીવીસી એલનો અંધેર વહીવટ છાસવારે ખોટકાતી વીજ લાઈનોથી આંબાખુંટ ગામનાં ખેડૂતો સહિત પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. ગતરાત્રી દરમિયાન વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હતો. નવરાત્રીમાં ગરબે ધુમતા ખેલૈયોના રંગમાં ભંગ પડ્યો હતો.
છેલ્લા એક મહિનાથી એમજીવીસીએલનો વહીવટ ખાડે ગયો હોય તેમ લાગી રહ્યું છે. રોજ બરોજ રાત દિવસ ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. છતાં તેજગઢ ડેપ્યુટી ઇજનેર દ્વારા કોઈ જ નકકર કામગીરી કરવામાં આવતી નથી અને જ્યારે વીજ પુરવઠો ખોરવાય ત્યારે ફોલ્ટ શોધવા નીકળે છે વાદળછાયા વાતાવરણમાં બફારા વચ્ચે વિજપુરવઠો ખોરવાતા લોકો ત્રાહીમામ પોકારી જાય છે. વિજળીની સતત આવન-જાવન થી કયારેક એંસી., કોમ્પ્યુટર જેવા કિંમતી સાધનોને નુકશાન થતું હોવાની લોકોની ફરીયાદ છે. આંબાખુંટ વિસ્તારના ગામજનો વીજ પુરવઠાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વીજ કર્મચારીઓ ને રૂબરૂ રજૂઆત કરવા છતાં યોગ્ય પ્રતિ ઉત્તર મળતો નથી. એમજીવીસીએલ ઓનલાઇન ફરિયાદ નિવારણ ટેલીફોન પણ ભાગ્યે જ કોઈ રિસીવ કરીને જવાબ આપતા હોય છે.
હાલ ભર ઉનાળાની જેમ સખત ગરમીમાં લોકો રાતના પરસેવાથી રેબઝેબ થતા હોય છે. રાત્રિના સમયે લાઈટ ન હોવાથી ગામડાઓમાં મોટી ચોરી અને જાનહાનીનું જોખમ પણ ઉભુ થાય તેવી સંભાવના છે. બીજી બાજુ લાઈટ વગર મોબાઈલ ગ્રામજનો બીજા ગામ ચાર્જમાં મુકવા જવા મજબૂર બન્યા છે. પાણીનો પ્રશ્ન વીજ પાવર ન હોય ઉઠ્યો છે. જાણે કોઈને કઈ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. આંબાખુંટ ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા વીજબિલ સમયસર આવી જાય છે પણ લાઇટ સમય સર નથી આવતી ગ્રાહકો પાસેથી ઊચા વીજ દર ઉઘરાવવામાં આવે છે. પરંતુ ફોલ્ટ રીપેરીંગ કરવા માટે કલાકો લાગી જાય છે.
હાલ જ્યારે ચોમાસું પૂરું થવા આવ્યું હોવા છતા આંબાખુંટ વિસ્તારમાં કેટલીક વીજ લાઈનો પર મોટી સંખ્યામાં જંગલી વેલા ઝાડની ડાળીઓ જીવતા વીજ વાયાર ઉપર છે. છતાં હટાવવાનું નામ લેવાતું નથી. ઝાડ અને વેલા કટીંગ કરાવીને વાયરથી દૂર કરાતું નથી. આના કારણે મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં.