Gujarat
નદીસર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળી રહ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.
અગાઉ જે લોકો રાસાયણિક ખેતી કરતા હતા તેવા હજારો ખેડૂતોએ આજે ગાય આધારિત અને ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીને અપનાવીને આર્થિક ઉન્નતિની કેડી કંડારી છે.ત્યારે આવા જ એક ગોધરા તાલુકાના નદીસર ગામના ખેડૂત પ્રવીણભાઈ માછી છે કે જેઓએ ત્રણ વર્ષ અગાઉ રસાયણિક ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પ્રવીણભાઈ જણાવે છે કે,અગાઉ તેઓ ચીલા ચાલુ ખેતી કરતા હતા,જેમાં મોંઘા રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરીને પણ સારું ઉત્પાદન મેળવી શકતા નહોતા તેથી તેમણે પોતાની ખેતી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવા યોગ્ય લાગ્યું હતું.જિલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા પંચમહાલ વિભાગમાં તેમણે પ્રાકૃતિક ખેતી કરવા અંગે તાલીમ મેળવીને આ ગાય આધારિત ખેતી કરવાનું શરૂ કર્યું હતું.તેઓ જણાવે છે કે, થોડાક જ સમયમાં તેમને ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મળતું થયું વળી ઝેરમુક્ત ખેતીની ઉપજ હોવાથી તેની માંગ સતત વધવા લાગી છે અને ભાવ પણ સારો મળી રહે છે. આજુબાજુના ખેડૂતોએ પણ આમા રસ દાખવ્યો અને આ ખેતી પધ્ધતિ તરફ વળ્યા છે.
પ્રવીણભાઈએ પોતાના ખેતરમાં ધાન્ય પાકો સાથે શાકભાજીનું પણ વાવેતર કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું છે.તેઓએ આ ખેતી થકી વર્ષે લાખો રૂપિયા કમાઈને પોતાના પરિવાર માટે આર્થિક ઉન્નતિની કેડી કંડારી છે.અત્યારે તેઓ પોતાના ખેતરમાં ભીંડા, દૂધી, રીંગણા,ટામેટા અને મરચાની ખેતી કરી રહ્યા છે.તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી સાથે જોડાવા અનુરોધ કરે છે.
પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારના ભાગરુપે ખેડૂતો સુધી તે ખેતી વિષયક જાણકારી પહોંચાડવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે