Ahmedabad
ઓકાલા, ફ્લોરિડામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ઓક્લા, ઉત્તર મધ્ય ફ્લોરિડામાં આવેલું છે, તેને સનસાઈન સ્ટેટ તથા વિશ્વની ઘોડા મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર
વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના નોર્થ અમેરિકાના અવિરત વિચરણથી ઓકાલા ફ્લોરિડામાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર, ઓકાલા – ફ્લોરિડામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ” દ્વિદિવસીય મહોત્સવની દિવ્યતા અને ભવ્યતા સભર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્સવ દરમ્યાન જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયાણો, કથાવાર્તા, ગુરુપૂર્ણિમા તથા ષોડશોપચારથી, પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.
આ દિવ્ય પાવનકારી અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો તથા હરિભક્તોએ શ્રી ઘનશ્યામ મહારાજનો ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણબાપા , સ્વામીબાપાની સ્મૃતિ તાજી ને તાજી રહે તે માટે આપણા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આપણને આ મંદિર મહેલ આપ્યો છે. જે મુમુક્ષુઓ અહીં દર્શન અર્થે આવશે, અરે કોઈ મંદિરમાં ના આવી શકે પરંતુ જે કોઈ આ ૭૫ રોડ પરથી પસાર થશે અને હેતે આ મંદિરના શિખર, કળશ અને ધજાના દર્શન કરશે તો પણ ભગવાન તેના માટે અક્ષરધામનું દ્વાર જરૂરથી ખોલશે જ. જીવોનાં આત્યંતિક કલ્યાણ માટે આ મંદિરનું નિર્માણ કર્યું છે. પાટોત્સવ પર્વે ઓકાલા, ફ્લોરિડાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો.