National
જી-૨૦નો લોગો એ માત્ર પ્રતીક નહી પણ લાગણી છે, જે આપણા નસોમાં વહે છે
જી-૨૦ના લોગો યજમાન દેશ વૈશ્વિક સમુદાયને ધ્યાને રાખી પોતાની સંસ્કૃતિ અને બંધુત્વના ભાવને પ્રગટાવવા તૈયાર કરે છે
સભ્ય દેશો વચ્ચે પરસ્પર સહકાર તથા સાંસ્કૃતિક તાદાત્મ્ય સાધવા માટે યજમાન દેશ લોગોને સ્વરૂપ આપે છે
ભારતની વિદેશ નીતિ વૈશ્વિક મંચ પર નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે પૂરજોશમાં વિકસિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ જી-૨૦ની સફળ યજમાની કરી રહ્યું છે. આગામી દિવસોમાં કેવડિયા ખાતે પણ સભ્ય દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાવા જઇ રહી છે. ત્યારે જી-૨૦ નો લોગો સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આવો જાણીએ અત્યાર સુધીની બેઠકના વિવિધ લોગો વિશેની રસપ્રદ વાતો !
ભારતના યજમાનપદ હેઠળની ૧૮મી જી – ૨૦ બેઠકના લોગોની વાત કરીએ તો જી -૨૦ લોગો ભારતના રાષ્ટ્રધ્વજના કેસરી, શ્વેત અને લીલો અને વાદળી રંગોથી પ્રેરિત છે. આ લોગોમાં ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ પાસે પૃથ્વીના ગ્રહ મૂકવામાં આવ્યો છે. જે પડકારો વચ્ચે વિકાસને પ્રતિબિંબિત કરે છે. લોગોમાં કમળ ભારતનો પૌરાણિક વારસો, વિશ્વાસ અને બૌદ્ધિકતા પણ સૂચવે છે. જ્યારે, કમળની સાત પાંખડીનું મહત્વ સમજાવ્યું જે સાત ખંડો અને સંગીતના સાત સુરો સુચવે છે. જી – ૨૦ ના લોગો નીચે “ભારત” લખવામાં આવ્યુ છે. જે અત્યંત પૌરાણિક દેવનાગરી લિપિમાં લખાયેલું છે. અંતે જી – ૨૦ નો ઉદ્દેશ્ય વિવિધતાને માન આપીને વિશ્વને સુમેળમાં લાવવાનો છે.
આતો થઇ આપણા ભારતીય અધ્યક્ષતા માટે તૈયાર કરવામાં આવેલા લોગોની. આવો જાણીએ અત્યાર સુધી યોજાયેલી તમામ જી-૨૦ બેઠકના અધ્યક્ષ રાજ્યો દ્વારા એક મજબૂત સંદેશ સાથે રજુ કરવામાં આવેલા લોગો વિશે.
વર્ષ ૨૦૦૮માં યુ.એસ.ના વોશિંગ્ટનમાં યોજાયેલી પ્રથમ જી – ૨૦ બેઠકના લોગોમાં પૃથ્વીના ચિન્હ નીચે ૨૦ બિંદુઓ એક હરોળમાં બેસ્યા હોય એવી આકૃતિ લોગોમાં દર્શાવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૦૯માં યુ.કે. ના લંડન શહેરમાં યોજાયેલી દ્વિતીય જી – ૨૦ બેઠકમાં પૃથ્વી પર નવો સૂર્યોદય થયો હોય એવા ચિત્રને લોગો તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. ફરી વર્ષ ૨૦૦૯માં વિશ્વમાં ૪૪૬ બ્રિજ સાથે સૌથી વધુ બ્રિજ ધરાવતા અને ‘બ્રિજ સિટી’ તરીકે ઓળખાતા યુ.એસ. ના પિટ્સબર્ગ શહેરમાં યોજાયેલ ત્રીજી જી – ૨૦ સમિટમાં શહેરની વિશિષ્ટ ઓળખ બ્રિજની આકૃતિ સાથે પિટ્સબર્ગ સમિટ ૨૦૦૮ નો લોગો તૈયાર કરવામાં આવ્યો હતો. તેવીજ રીતે વર્ષ ૨૦૦૯ ટોરોન્ટો કેનેડા ખાતે યોજાયેલ જી – ૨૦ સમિટના લોગોમાં ટોરોન્ટો શહેરની આગવી ઓળખ એવા વિશ્વના સૌથી ઊંચા ફ્રી સ્ટેન્ડિંગ સ્ટ્રકચર એવા સી.એન. ટાવર સાથે મેપલના લાલ પાન ને સ્થાન આપવામાં આવ્યું હતું.
બીજી તરફ વર્ષ ૨૦૧૦ની સાઉથ કોરિયાની સમિટના લોગોમાં સમુદ્ર પર ઉગતો સૂર્ય અને પરંપરાગત કોરિયન ફાનસ (ચુંગ-ચો-રોંગ) તેના રાષ્ટ્રધ્વજના રંગો લાલ અને વાદળી સિલ્ક શેડ સાથે સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૦ની જી – ૨૦ ફ્રાન્સના લોગોમાં ફ્રાંસના ધ્વજના રંગે રંગાયેલ એફિલ ટાવર અને ઉગતો સૂર્ય લોગોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. તેવીજ રીતે વર્ષ ૨૦૧૨ની મેક્સિકો બેઠકના લોગોને ત્યાંની પૌરાણિક મહત્વ ધરાવતી ‘ચિચેન ઈટ્ઝા’ પિરામિડના એરિયલ વ્યુથી શણગારવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૩ની જી-૨૦ બેઠકમાં રશિયાના રાષ્ટ્રીય ધ્વજના રંગોનું પ્રતિનિધિત્વ કરતો સર્જનાત્મક લોગો રજૂ કરાયો હતો.
વર્ષ ૨૦૧૪ની વાત કરીએ તો નવમી જી – ૨૦ બેઠક ઓસ્ટ્રેલિયાનો લોગો પરંપરાગત ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિની ઝાંખી આપે છે. લોગો કોકોનટ પામ લીફે સ્વદેશી વણાટની પેટર્નથી પ્રેરિત છે. જેમાં ત્રિકોણ આકાર જી – ૨૦ માં હાજરી આપનારા સભ્યો, આમંત્રિત મહેમાનો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે કનેક્ટિંગ આકારો, રેઈન્બો સર્પન્ટ દંતકથાનું પ્રતિનિધિત્વ કરે છે. ધારી, પરંપરાગત ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર હેડ ડ્રેસને દર્શાવવા માટે વણાટમાં માછલીના આકારની રચના પણ જોવા મળી છે.
વર્ષ ૨૦૧૫નો તુર્કીનો જી-૨૦ પ્રેસિડેન્સી લોગોના દરેક ઘટકો તુર્કીના બેજોડ સાંસ્કૃતિક વારસો દર્શાવે છે. લોગોમાં ક્લાસિકલ ટર્કિશ સંસ્કૃતિમાં સુંદરતા, લાવણ્ય, સંપૂર્ણતા દર્શાવતા અને ઇસ્તંબુલ નું મુખ્ય પ્રતીક એવા તુલીપને સ્થાન આપવામાં આવ્યું છે.
જ્યારે વર્ષ ૨૦૧૬ ચીન જી – ૨૦ સમિટ માટેના લોગોમાં ૨૦ સ્તરવાળી રેખાઓનો સમાવેશ કરીને એક શૈલીયુક્ત બ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જૂથના ૨૦ સભ્યોનું એકબીજા સાથે જોડાયેલ હોવાનું દર્શાવે છે. જ્યારે જર્મની જી – ૨૦ બેઠક ૨૦૧૭નો એનિમેટેડ લોગોમાં રીફ ગાંઠ વિવિધ મુદ્દાઓ પરસ્પર જોડાયેલા હોવાનું જણાવે છે. અનાદિ કાળથી, દરિયાઈ મુસાફરી એ વેપાર, પરિવર્તન અને સ્થિરતાનું પ્રતીક છે. ખલાસીઓ રીફ ગાંઠને સ્થિર અને સ્થિતિસ્થાપક બાંધ તરીકે જાણે છે. જે તમામ જી – ૨૦ ભાગીદારોના સહયોગથી આ વિશ્વને આકાર આપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય દર્શાવે છે.
વર્ષ ૨૦૧૮ની જી – ૨૦ આર્જેન્ટિનાના આકર્ષક લોગોમા રંગીન ‘O’ વિશ્વના વૈવિધ્યને પ્રદર્શિત કરે છે. જ્યારે જાપાનની અધ્યક્ષતામાં યોજાયેલ સમિટનો લોગો શૈલીયુક્ત ક્રાયસન્થેમમના ફૂલ મિત્રતા, સુખ અને કલ્યાણ તથા લાલ ચેરી અને ભૂરા રંગનું વૃક્ષ (વસંત ઋતુ) નવસર્જન દર્શાવે છે. સાઉદી અરેબિયામાં યોજાયેલી વર્ષ ૨૦૨૦ની જી – ૨૦ સમિટનો લોગો પરંપરાગત બેડૌઈન કાપડના રંગીન ફિલામેન્ટ્સથી પ્રેરિત છે અને દરેક રંગ ભાગ લેનારા દેશોના રંગો દર્શાવે છે.
વર્ષ ૨૦૧૯ ઇટાલીમાં યોજાયેલ જી – ૨૦ સમિટની વાત કરીએ તો તેમના લોગોનો જન્મ લિયોનાર્ડો દા વિન્સી ના પ્રખ્યાત “વિટ્રુવિયન મેન” ચિત્રના પ્રતિબિંબમાંથી થયો હતો. લોગોમાં બે પ્રાથમિક ભૌમિતિક આકૃતિઓ છે જે લિયોનાર્ડોના ચિત્રમાં માનવ આકૃતિ ધરાવે છે. ચોરસ, કેન્દ્રીકરણ અને સ્થિરતાનું ચિહ્ન અને વર્તુળ, ગતિ અને નિરપેક્ષતા નું પ્રતીક દર્શાવે છે. લોગોમાં, વાદળી રંગનું ચોરસ ઇટાલીનું પ્રતિનિધિત્વ કરે છે. “2” એ વિશ્વની ઇટાલિયન ટાઇપોગ્રાફી બોડોનીની શ્રેષ્ઠતાને સમર્પિત છે જ્યારે આધુનિકતાવાદી “0” દ્વારા સમકાલીન સંસ્કૃતિને નવું જીવન આપવાની પ્રેરણા આપે છે. જ્યારે “G” જી” શાહી રોમ અને રાજધાનીના સાંકેતિક સ્મારકો માં એક ટ્રાજનના સ્તંભના પાયા પર કોતરવામાં આવેલા અક્ષરો થી પ્રેરિત છે.
જી -૨૦ ઇન્ડોનેશિયા ૨૦૨૨ અધ્યક્ષતાનો લોગોનો રંગ રાષ્ટ્રધ્વજ ના રંગ થી પ્રેરિત છે. જ્યારે પરંપરાગત કાવુંગ ડિઝાઇન સંપૂર્ણતા, ન્યાય અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં ગુનુનગન (માઉન્ટ-આકાર આકૃતિ) એકતાનું પ્રતીક છે અને કોરોના કાળ પછી આર્થિક પુનઃપ્રાપ્તિ તરફ અખંડિતતાનું સૂચન કરે છે.
સામાન્ય રીતે અત્યાર સુધીની બધી જી – ૨૦ સમિટના લોગો પર નજર નાખીએ તો લોગોમાં જે તે દેશની સંસ્કૃતિ, માન્યતાઓ, પુરાતત્વીય અને શિલ્પ સ્થાપત્ય, શહેરની આગવી ઓળખ, વિચારધારા તથા લોગો ના રંગોની પસંદગી માં શાસન કરતા રાજકીય પક્ષ અથવા રાષ્ટ્રીય ધ્વજના રંગ નું પ્રભુત્વ રહ્યું છે.
ઈન્ડોનેશિયા બાદ ભારતદેશે ૧૮મી જી – ૨૦ સમિટની યજમાની સહર્ષ સ્વીકારી છે ત્યારે ભારત દેશની જી – ૨૦ સમિટના યજમાન પદે જનભાગીદારીથી તૈયાર કરાયેલ લોગો દરેક ભારતીય માટે ગૌરવવંતો લોગો છે. ભારતીય અધ્યક્ષતા અન્વયે ૧૮મી જી – ૨૦ બેઠકના લોગો અનાવરણ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જણાવ્યુ હતુ કે જી – ૨૦ નો આ લોગો માત્ર એક પ્રતીક નથી.આ એક સંદેશ છે, તે એક લાગણી છે જે આપણી નસોમાં દોડે છે, આ એક ઠરાવ છે, જે આપણા વિચારમાં સમાવિષ્ટ છે