Chhota Udepur
બોડેલીના નાના બૂટીયાપુરાની યુવતી જેતપુરપાવી તાલુકાના માખણીયા પર્વત પાસે રાત્રે પહોંચી ગઇ!
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પોલીસ, અભયમ ૧૮૧ અને શેખર રાઠવાએ માનવતા દાખવતા જંગલ મધ્યે ઠંડી માં ઠુંઠવાતી યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન થયું
કદવાલ પોલીસની સમયસૂચકતાને પગલે યુવતીનો જીવ બચ્યો!
જેતપુર પાવી કદવાલ રોડ ઉપર માખણીયા પર્વતની સામે જંગલમાં એકલી અટૂલી ૨૮ વર્ષની અપરણીત આદિવાસી યુવતી ગભરાયેલી ટૂંટિયું વળીને બેઠેલી જોવા મળતા ડુંગરવાટના યુવાન ચંદ્રશેખર રાઠવા એ મદદગારી કરી અભયમ ૧૮૧ ને કોલ કરી પોલીસ, ૧૮૧ની ટીમની મદદથી યુવતીને તેના પરિવારજનો સાથે મેળાપ કરી આપ્યો હતો.
પોલીસ, તંત્ર સામે આમ તો પ્રજાનો એપ્રોચ સામાન્ય રીતે નારાજગીનો જ હોય છે.છોટાઉદેપુર જિલ્લાની કદવાલ પોલીસ મથકની ટીમે રાત્રે ઠંડીમાં ઠૂઠવાતી યુવતીની વ્હારે જઇ માનવતાની અનોખી કામગીરી કરી હતી.
બે દિવસ પહેલાં રાત્રે ૯:૦૦ વાગે કોઈક વ્યક્તિનો ડુંગરવાટના આદિવાસી યુવા કાર્યકર્તા ચંદ્રશેખર રાઠવા પર ફોન આવ્યો હતો કે, એક અજાણી યુવતી ઠંડીમાં ઠૂઠવાતી માખણીયા પર્વતની સામે સુખી ડેમની દિવાલ પાસે એકલી અટૂલી ગભરાયેલી બેઠી છે. આ વિસ્તાર જંગલોની વચ્ચો વચ આવેલો છે. અહીં દીપડાઓની વ્યાપક અવરજવર રહે છે. ત્યારે આ યુવતીના જીવને જોખમ છે તેમ જાણવા મળતા શેખરભાઈ સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરી તેને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જોકે યુવતી કંઈ પણ બોલતી ન હતી. જેથી તેઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કોલ કરી આ અજાણી દિવસોથી ન ખાધું હોય તે પ્રકારની જણાતી યુવતી વિશે માહિતી આપી હતી.
અમદાવાદ ૧૮૧ અભયમમાંથી કોન્ફરન્સ કરી છોટાઉદેપુરના કોઓર્ડીનેટર સાથે વાત કરાવી હતી. જોકે છોટાઉદેપુર ૧૮૧ નો સ્ટાફ સંખેડા ખાતે અન્ય કામમાં જોતરાયેલો હતો. જેથી આ યુવતી ની મદદ માટે કદવાલ પોલીસ મથકનો તાત્કાલિક સંપર્ક કરી ગણતરીની મિનિટોમાં જ પોલીસ યુવતીની મદદ માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ભાવનાબેન રાઠવા નામની આ યુવતીને કદવાલ પોલીસ સલામત રીતે મોબાઇલમાં બેસાડી કદવાલ પોલીસ મથક લઈ ગઈ હતી. જ્યાં તેને જમવાનું આપી સુવડાવી દીધી હતી. દરમિયાન આ યુવતીના સગા સ્નેહીઓને ખબર પડી હતી કે તેમની દિકરી કદવાલ પોલીસ મથકે મળી આવી છે. જેથી તેઓ ત્યાં યુવતીને લેવા આવ્યા હતા.
કદવાલ પોલીસ મથકના જમાદાર ચંદુભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે અમે આ યુવતીની સાર સંભાળ રાખી હતી. ઠંડીમાં તે રાત્રે જંગલ મધ્યે કે જ્યાં જંગલી પ્રાણીઓનો વસવાટ છે, અવરજવર છે ત્યાંથી મળી આવી હતી. તેણીએ લાંબા સમયથી ખાધું ન હતું. લઘર વગર અવસ્થામાં હતી. જેને અમે પોલીસ મથકે લાવ્યા ત્યારે કંઈ બોલતી પણ ન હતી. જો કે તેના પરિવારજનો સાથે તેણીનું સુખદ મિલન થતાં અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છે.