Surat
ખાડી કિનારે રમી રહેલી બાળકી ડૂબી, પોલીસ કર્મચારીએ બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યો છતાં થયું મોત
સુનિલ ગાંજાવાલા
શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા ગાંધી કુટીર પાસે એક બાળકી ખાડીમાં ડૂબી ગઈ હતી. બીજી તરફ જાણ થતાં પોલીસ જવાનો પણ પહોચ્યા હતા અને બાળકીને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તેઓએ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પણ ખસેડી હતી, પરંતુ બાળકીનું મોત નીપજ્યું હતુંઆ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ગાંધી કુટીર પાસે 5 વર્ષીય બાળકી ખાડી કિનારે અન્ય બાળકો સાથે રમી રહી હતી.આ દરમ્યાન એકાએક તે ખાડીમાં ડૂબવા લાગી હતી.
બાળકી ખાડીમાં પડી ગઈ હોવાની જાણ થતા ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. આ દરમ્યાન ત્યાં પેટ્રોલિંગ કરી રહેલા ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રામસિંહભાઈ રબારી અને કોન્સ્ટેબલ રાહુલભાઈ ડામોર લોકોની ભીડ જોઇને ત્યાં પહોચ્યા હતાપોલીસકર્મીઓએ તાત્કાલિક બાળકીને ખાડીમાંથી બહાર કઢાવી તેના પેટમાંથી પાણી કાઢી તેનો જીવ બચાવવાની ખૂબ કોશિશ કરી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીનું નામ નિકિતા શિવા પાડવી (ઉ.વ. 5) છે, 3 દીકરીઓમાં આ બીજા નંબરની દીકરી હતી. બાળકીનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો વતની છે, પરંતુ હાલમાં ગાંધી કુટિર કચરા પ્લાન્ટ પાસે રહે છે અને મજૂરી કરે છે.