Editorial
૨૫૦૦ રૂપિયાનું ઋણ સાક્ષાત શેઠના હાથમાં જ ચૂકવી રહ્યો હતો
કાનજીને પોતાના ગામમાં જ નાનકડી અનાજ દળવાની ઘંટી હતી. ઘંટીના આધારે ગોકળગાયની ગતિએ કાનજીનુ ગુજરાન નભે જતું હતું. પોતે પત્ની અને એક નાનો પાંચ વર્ષનો પુત્ર હતો.એમ કહેવાય કે કાનજીને બે ટંક ભોજન જેટલી સગવડ થઈ જતી હતી. બચત જેવું તો કશું ના થતું છતાં ભુખ્યા પેટે સુવું પણ ના પડતું.
એકવાર ચોમાસાનો દિવસ હતો. લાઈટ પણ આવે અને જાય એવું થયા કરતું હતું.ચોમાસામા આમેય કાનજીનો ધંધો મંદો ચાલતો. આજે તેને ત્રણ ચાર દળણાં દળવાના હતા એટલે સાંજે લાઈટ સ્થિર થતાં ઘંટી ચાલુ કરી દળવા લાગી ગયો. છેલ્લું દળણુ ચાલતું હતું ત્યાં અચાનક ગામમાં કોઈ ભેદી ભડાકો થયો અને આખાં ગામમાં લાઈટ ડૂલ ! હવે ? એ રાત્રે કાનજીની ઘંટીમાંથી જાણે જીવ ગયો ! એ વળતી ચાલુ ના થઈ તે ના જ થઈ ! કાનજીની અકળામણ વધવા લાગી. સતત ચિંતા થયા કરતી હતી કારણકે તેની પત્ની ગયા મહિને જ બિમાર પડી હતી એટલે દસ હજારની જરૂર પડી હતી જે વ્યાજે લઈ દવા કરાવી હતી. વિચાર્યું હતું કે ઘંટીના આધારે કંઈક સગવડ થઈ જશે પણ આ તો ઘંટી જ માંદી પડી !
બે દિવસ ઘંટી બંધ રહેતા તેણે એક કારીગરને બોલાવી બતાવ્યું. કારીગરે તપાસ કરતા જાણવા મળ્યું કે ઘંટીનો મુખ્ય પૂરજો(પાટૅ) ખરાબ થઈ ગયો હતો. જેની કિંમત ૨૫૦૦ રૂપિયા હતી. કાનજી માટે આ રકમ મોટી હતી. તેની ચિંતાએ વધારે જોર પકડ્યું. મનમાં થતું હતું કે,”એક દેવું તો હજુ પૂરું પણ નથી થયું ને આ પાછું નવું આવ્યું. પડતા પર પાટું ! ભગવાન જાણે હાથ ધોઈને મારી પાછળ જ પડી ગયો છે.ખાડા ઉપર ખાડો !”કાનજીને પોતાના ગામમાં તો ક્યાંય કંઈ આશા નહોતી જણાતી પણ બાજુના શહેરમાં પોતાના જ ગામમાંથી જઈ વસેલા મુકુંદરાય શેઠ યાદ આવ્યાં જેમની ગંજ બજારમાં પેઢી હતી. શેઠ સ્વભાવે સજ્જન અને સંવેદનશીલ હતા. તેઓ દીવાળી પર ઘરે આવતા તો અવારનવાર જરૂરિયાતમંદ લોકોને આવશ્યક મદદ કરતા.
કાનજી બીજા જ દિવસે સવાર સવારમાં મુકુંદરાયની પેઢીએ પહોંચ્યો. તેઓ તો કાનજીને ઓળખતા જ હતા.કાનજીને જોતાં જ તેઓ બોલ્યા,” કેમ ભાઈ આ બાજુ ? એ પણ આમ સવાર સવારમાં ?”
“શેઠજી માફ કરજો પણ આજે તમારી પાસે એક કામ માટે આવ્યો છું ?” કાનજીએ બને એટલી સભ્યતા વાપરી.
” એમ…? ચાલ કંઈ વાંધો નહીં એ બહાને તે મને અંગત માન્યો એ બદલ આભાર ! બોલ શું કામ પડ્યું? શેઠે હસમુખા ચહેરે કહ્યું. શેઠના શબ્દોએ કાનજીના હૈયે જાણે હામ પુરી. તેને થોડો વિશ્વાસ બેઠો છતાં પણ આજીજી કરતો હોય એ રીતે બોલ્યો,” શેઠ કામ તો એવું છે કે મારે થોડાક રૂપિયાની જરૂર પડી છે. મારી આવકનું એકમાત્ર સાધન પેલી અનાજ દળવાની ઘંટી છે. જે બે દિવસ પહેલા જ લાઇટમાં કંઈક ખામી થવાના કારણે મોટો ભડાકો થતા બળી ગઈ છે. એને રીપેર કરવા માટેનો ખર્ચ ૨૫૦૦ રૂપિયા થાય એમ છે. તો તમે મને એટલી મદદ કરો તો તમારો આ ઉપકાર હું આજીવન નહીં ભૂલું અને હા ચોક્કસ વાયદો તો અત્યારે કરી શકું એમ નથી પણ હું મારી રોજેરોટીના સમ ખાઈને કહું છું કે તમારા આ રૂપિયાની એક એક પાઈ હું વ્યાજ સહિત ચૂકવી આપીશ.” શેઠ એકદમ સ્થિર થઈ જાણે મનોમન કંઈ વિચારતા હોય એમ હકારમાં માથું હલાવી ફરી એમ જ ઊભા થઈ કાનજીના ખભે હાથ મૂકી અને સસ્નેહ કહ્યું,” અરે કાનજી આ શું બોલ્યો તું ? મારા ગામના લોકોને મદદ કરવી એ તો મારી ફરજ છે. અને સાંભળ તું આ રૂપિયા જ્યારે તારી ઈચ્છા હોય ત્યારે ચૂકવી આપજે મારે વ્યાજ નથી જોઈતું. ચાલ અંદર આવી જા.
શેઠની આત્મીયતા કાનજીના હૃદયને વધારે પીગાળી રહી હતી. શેઠે ચા મંગાવી. કાનજી અને શેઠે બંને જોડે જ ચા પીધી. ત્યારબાદ શેઠે પોતાના એક માણસને બોલાવી અને કાનમાં કંઈક કહ્યું. એ માણસ ઘડીકમાં બાજુના રૂમમાં જઈ અને એક કવર લઈ અને સામેના ટેબલ ઉપર મૂક્યું. ચા પીધા પછી શેઠે હળવેકથી કાનજીને કહ્યું,” કાનજી જો સામેના ટેબલ ઉપર પેલું કવર પડ્યું છે એ લઈ લે.” કાનજી ઘડીકમાં ટેબલ સામે જોતો હતો અને શેઠ સામે જોતો હતો. શેઠે ફરી કહ્યું ,”કાનજી જા ને ભાઈ જા લઈ લે !”
કાનજી ઊભો થઈ અને એ કવર હાથમાં લીધું. અધખુલ્લા કવરમાં એને બાજુથી નજર કરી તો અંદર પાંચસો પાંચસોની નોટો હતી. તે સમજી ગયો અને કવર લઈને શેઠ જોડે બેઠો.તેણે નોંધ્યું કે શેઠજી કાનજી સામે બરાબર આંખ પણ મિલાવતા નહોતા. તેઓ કહેતા હતા કે,” કાનજી આ પૈસા લઈને તું રવાના થઈ જા. હું તને મદદ કરું છું એવી ઉપકારની ભાવના હું સહન કરી શકતો નથી તું જા નીકળ અને બીજી કંઈ જરૂર હોય તો પણ જણાવજે.” કાનજી રીતસરનો ગળગળો થઈ ગયો હતો. કેટલી ઉદારતા ! કેવી નિખાલસતા ! કેટલાક પાંચ રૂપિયાની પણ સહાય કરે તો આખા ગામમા ઢંઢેરો પીટે અને બીજી બાજુ આ શેઠ છે જેઓ આટલી મદદ પણ કોઈને તો શું પોતાને પણ બતાવવા માંગતા નથી ! કાનજીને તો જાણે સાક્ષાત ભગવાન આવી અને મદદ કરી ગયા હોય એટલો આનંદ થઈ રહ્યો હતો. તે ઝડપથી ઘરે ગયો અને ઘંટીને જે રીપેર કામ કરાવવાનું હતું એ તાત્કાલિક રીપેર કામ કરાવી દીધી.બીજા દિવસે પોતાની ઘંટી ચાલુ ગઈ. કુદરતે અટકાવેલું કાનજીની આવકનું ગાડું ધીરે ધીરે ફરી આગળ વધવા લાગ્યું. ધીરે ધીરે કરતા સમય વિતવા લાગ્યો. કાનજીને એકાદ વર્ષમાં થોડી સગવડ થઈ એટલે એ પૈસા લઈને શેઠજીને આપવા ગયો હતો પરંતુ મુકુંદરાય શેઠે એ રૂપિયા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું હતું કે આ રૂપિયા હું લેવાનો નથી. જો રૂપિયા તારા જોડે જ રાખીશ તો મને ઘણો આનંદ થશે.
હું જીવું છું ત્યાં સુધી તો તને કરેલી મદદ પાછી લેવાનો નથી.” કાનજી બીજા વર્ષે પણ આવી રીતે કર્યું હતું છતાં શેઠજીના એ જ શબ્દો હતા. કાનજી મનોમન વિચારતો હતો કે આટલો મોટો માણસ મારા જેવા સાવ નિર્બળ પરિસ્થિતિવાળાનુ કેટલું માન સન્માન જાળવે છે ! ભગવાન એને ખૂબ સુખ આપે. આમ કરતાં કરતાં બીજા દસ વર્ષ જેવા વીતી ગયા. શેઠના એ રૂપિયા થકી કાનજીના ઘરમાં લક્ષ્મીએ એવા તો પ્રાણ પૂર્યા કે અત્યારે કાનજી એક ફૂડ પેકેજિગ બનાવતી કંપનીનો માલિક છે. શેઠજી ત્યાં જ તેમની પેઢી ચલાવતા હતા. અત્યારે તો કાનજી પણ શેઠજી જે શહેરમાં રહેતા હતા ત્યાં જ પોતાની એક કંપની સ્થાપી અને મોટો માણસ બનીને રહેવા લાગ્યો છે. આલિશાન બંગલો,ગાડીઓ નોકર-ચાકર અને ઘણું બધું ! એક સમયે પાઇ પાઈ માટે તરસતો કાનજી અત્યારે રૂપિયાની પથારી ઉપર સૂતો હતો. લક્ષ્મીના એના ઉપર ચારેય હાથ હતા. એક દિવસ અચાનક જ વહેલી સવારે સમાચાર મળ્યા કે મુકુન્દરાય શેઠને અચાનક હૃદય રોગના હુમલાથી અવસાન થઈ ગયું છે. કાનજી બધા જ કામ પડતા મૂકી તાબડતોબ શેઠજીના ઘરે પહોંચ્યો. જુએ છે તો શેઠ ચત્તાપાટ પડેલા છે. ઉપર સફેદ રંગનું કફન ઢાંકેલું છે. કાનજી નજીક જઈ એમના ચરણ સ્પર્શ કર્યા. અંતિમ દર્શન કરવા માટે કફન પાછું કરી અને મોઢું જોવા પ્રયાસ કર્યો. આખો બંધ હતી. મોઢું સ્થિર હતું.
હાથ એ જ રીતે જોડેલી અવસ્થામાં જ હતા. જાણે કહી રહ્યા હતા,” કાનજી તે મને મદદ કરવા માટેનો જે મોકો આપ્યો એ બદલ હું તારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું.” એ જ વખતે કાનજીને ફરી પાછા દસ વર્ષ પહેલાં ૨૫૦૦ રૂપિયાની જે મદદરૂપે આપ્યા હતા એ યાદ આવી ગયા અને તે રડી પડ્યો. મનોમન વિચારતો હતો કે શેઠનું ૨૫૦૦ રૂપિયાનું દેવું મારા માથે રહી ગયું અને શેઠ એમ જ ચાલ્યા ગયા. થોડો સમય થતાં શેઠની અંતિમયાત્રા નીકળી. એમના મૃતદેહને અગ્નિદાહ માટે અંતિમધામમાં લઈ જવામાં આવ્યો. એમના પાર્થિવ દેહને સન્માનપૂર્વક ચિતા ઉપર સ્થાપિત કરવામાં આવ્યો અને અગ્નિદા આપવામાં આવ્યો. ચિતા પણ જાણે સબની જ વાટ જોઈ રહી હોય એમ એક નાની ચિનગારી અડતા જ ભડકે બળવા લાગી. જોત જોતામાં તો આગની જ્વાળાઓ વચ્ચે શેઠનો મૃતદેહ પીગળવા માંડ્યો. સૌ એક એક કરતાં ત્યાંથી બહાર નીકળવા લાગ્યા. કાનજીને શેઠનું આ દુખદ અવસાન હજુ સુધી કાળજે ડંખ દેતું હતું. તે ત્યાં જ અંતિમ ધામના દરવાજા પાસે આવેલ બાંકડો હતો ત્યાં બેસી જ રહ્યો. નીચું જોઈને આસું સારતો હતો ત્યાં જ શેઠજીના એક સંબંધી જે છેલ્લે હતા તેઓ ઉતાવળા પગલે આવ્યા અને બોલ્યા “ભાઈ સાંભળો છો ?” કાનજીએ ઊંચું જોયું. સામેવાળા વ્યક્તિએ કહ્યું કે,” માફ કરજો પણ અત્યારમાં વહેલાં વહેલાં આ રીતે પ્રસંગ બન્યો એટલે હું પાકીટ કે રૂપિયા લીધા વગર આવ્યો છું અને અહીંયા અંતિમધામના ચિતા માટેના લાકડાના રૂપિયા ચૂકવવાના છે. એ માણસ આવ્યો છે.તમારા જોડે કંઈ હોય તો આપશો ? હું ઘરે જઈને તરત જ તમને આપી દઉં છું.”
કાનજી હકારમાં માથું હલાવી આંસુ લૂછીને ઉભો થયો. અંતિમધામનો માણસ સામે જ ઊભો હતો. કાનજીએ પૂછ્યું,” કેટલા રૂપિયા લેવાના છે ભાઈ ?” પેલો માણસ ગણતરી કરીને બોલ્યો,” શેઠજી ૨૧૦૦ રૂપિયા લાકડાના અને ૪૦૦ મારી મજૂરીના કુલ ૨૫૦૦ રૂપિયા. ૨૫૦૦નો આંકડો સાંભળી કાનજીના મનમાંથી જાણે બધો જ ભાર સેકન્ડોમાં હળવો થવા લાગ્યો. તેનું કાળજું જે હમણાં સુધી ડંખાતું હતું એમાં જાણે રાહત મળવા લાગી હતી. ઉત્સાહથી એનો જમણો હાથ ખિસ્સામાં ગયો પાકીટ બહાર લઈ આવ્યો. ૨૫૦૦ રૂપિયા ગણીને એ માણસને આપ્યા અને માણસ સામે એવી રીતે જોઈ રહ્યો કે જાણે વર્ષો પહેલાંનું ૨૫૦૦ રૂપિયાનું ઋણ સાક્ષાત શેઠના હાથમાં જ ચૂકવી રહ્યો હતો એવી ભાવના એના મનમાં જાગી રહી હતી. અને વળી પાછી એની આંખો રેલાવવા માંડી.
– વિજય વડનાથાણી.