Chhota Udepur
એમબીએ કરેલો યુવાન સેલ્ફ-ઇકો સીસ્ટમને આધારે ઉગતી વનસ્પતિના ડેકોરેટીવ પ્લાન્ટ્સ વેચી પગભર થયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
એમબીએ કરીને કોઈ કોર્પોરેટ કમ્પની જોઈન કરવાના બદલે ઉદ્યોગસાહસિક બનવાના કૃતનિશ્ચય સાથે ૨૨ વર્ષનો રૂચિક શાહ વડોદરા છોડી કવાંટ તાલુકાના પાનવડમાં સ્થાયી થયો છે. તેમના ભાભી સાથે નાના પાયે પોતાનો સ્ટાર્ટ-અપ શરુ કરીને પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેમને વડોદરા અને છોટાઉદેપુરમાં વાઈબ્રન્ટ છોટાઉદેપુર સમિટ અંતર્ગત વેચાણ માટે સ્ટોલ પૂરો પાડવામાં આવ્યો હતો. જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ અને પોતાના એમબીએ અભ્યાસના આધારે રૂચિકને એક વિચાર આવ્યો કે પર્યાવરણનું જતન થાય લોકોને કઈંક નવું મળે, લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને પોતાને રોજગારી મળે તેવા આશયથી તેવો ટેરેરીયમ પદ્ધતિથી લીલ પ્રકારના વનસ્પતિને કાચના હવા ચુસ્ત ફ્લાસ્કમાં રોપી, સુશોભિત કરી કાયમી ઢાકણ બંધ કરી એક ડેકોરેટીવ પ્લાન્ટ તેયાર કરે છે.
ફક્ત ગોળ જાર જ નહિ, કાચની બોટલ, કાચના ટેબલ, હેન્ગીંગ પીસ, જેવા સાધનોમાં તેઓ પ્લાન્ટ્સ ઉગાવે છે. આ પ્લાન્ટ્સની ખાસિયત એ છે કે તે સેલ્ફ ઇકો સીસ્ટમ પર ચાલે છે, પાણીની જરૂર આજીવા રહેતી નથી, અને કોઈ પ્રકારના મેઈન્ટેનન્સની જરૂર નથી. સરકાર દ્વારા પ્રેરિત પ્રદર્શનોમાં વેચાણ માટે મુકે છે. આવા પ્રદર્શનો સહ વેચાણ કેન્દ્રોમાં તેમને આવા સુશોભન કરનારા વર્ગના ગ્રાહકો મળી રહે છે, સાથે સાથે તેઓ કોર્પોરેટસ, કંપનીઓ, મોટી ઓફિસો માટે પણ પોતાનો વ્યવસાય વધારવા માંગે છે.