Surat
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત નવસારી બજારમાં પાલિકાનો સપાટો
સુનિલ ગાંજાવાલા
સુરત મહાનગરપાલિકાના દબાણ માટે કુખ્યાત એવા નવસારી બજાર તલાવડીમાં આજે સેન્ટ્રલ ઝોન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જગ્યાએ લારીના દબાણ સાથે દુકાનદારો દ્વારા ફુટપાથ પર દુકાન બનાવી દીધી હતી. પાલિકાએ કડકાઈ નો ઉપયોગ કરીને લારીઓ સાથે ફુટપાથ પર કરેલું દબાણ પણ દુર કરી દીધું હતું. શરૂઆતમાં કેટલાક લોકોએ વિરોધ નો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્ત પુરતો હોવાથી આક્રમક વિરોધ થઈ શક્યો ન હતો જેના કારણે પાલિકા માથાભારે દબાણકારોના દબાણ દુર કરવામાં સફળ રહી હતી.
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં નવસારી બજાર, તલાવડી, પખાલી વાડ, ચૌટાબજાર, ઝાંપા બજાર, કાદરશાની નાળ, કમાલ ગલી જેવા વિસ્તારમાં માથાભારે તત્વો ના દબાણ છે. ઝોન દ્વારા વારંવાર દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ દબાણ દુર કરવા દેતા નથી અને કલાકોમાં જ ફરી દબાણ કરી દે છે. આ માથાભારે દબાણ કરનારાઓ સામે આજે પાલિકાના સેન્ટ્રલ ઝોને કડકાઈથી કામગીરી શરુ કરી છે સેન્ટ્રલ ઝોનમાં નવસારી બજાર, તલાવડી, પાણીની ટાંકી, પખાલી વાડ સહિત અનેકવિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણનું જંગલ બનાવી દીધું છે. સેન્ટ્રલ ઝોન દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દુર કરવાની કામગીરી શરુ કરી હતી. કેટલાક લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે દબાણ કરનારાઓને હટાવી દેતા પાલિકા તંત્ર એ દબાણ દુર કરવાની કામગીરી શરુ કરી હતી. આ વિસ્તારમાં લારીઓનું જંગલ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત કેટલાક વેપારીઓએ દુકાનો આગળના ફુટપાથ પર દબાણ કર્યું હતું અને કેટલાક દુકાન બનાવી દીધી હતી તેના પર બુલડોઝર ચલાવી દીધું હતું. આ દબાણ દુર થતાં આ વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા હાલ પુરતી હળવી થઈ છે.