Panchmahal
પંચમહાલ કલેકટરે વેપારીઓને ચોખ્ખુ સંભળાવ્યુ લોકોના આરોગ્ય સાથે ચેડા ચલાવી લેવાશે નહીં

આગામી દિવાળીના તહેવાર સંદર્ભે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે જિલ્લાના તમામ તાલુકાઓના મીઠાઈ,ફરસાણ તથા દૂધ અને ઘીની બનાવટના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ વેપારીઓને જણાવ્યું હતું કે,લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા કરવામાં આવે નહિ તથા મીઠાઈ,માવો,દૂધ વગેરે ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવશે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ સાથે જિલ્લા કલેકટરએ વેપારીઓને અગાઉની બેઠકમાં નક્કી થયેલા ભાવ મુજબ વેચાણ કરવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા અધિકારી એચ.ટી.મકવાણાએ કહ્યું કે, પબ્લિક હેલ્થ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ મહત્વની છે.લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા,બનાવટી વસ્તુઓ,ભેળસેળ કરવી તમામ બાબતો ગંભીર ગણાય છે.પંચમહાલ જિલ્લામાં આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવા તથા શુદ્ધ કાચા માલનો ઉપયોગ કરવા વેપારીઓને જણાવ્યું હતું.