Ahmedabad
બેન્કમાંથી સોનાની લગડીની ચોરી કરતો પટાવાળાને પોલીસે ઝડપી પાડ્યો
એલિસબ્રિજ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. પેટ્રોલિંગ સમયે એક વ્યક્તિ થેલો લઈને જતો હતો, શંકા જતા તેના થેલાની તપાસ કરી તો તેમાંથી 5 સોનાની લગડી નીકળી હતી. વધુ તપાસ કરતા એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. તે વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ BOBનો હંગામી પટાવાળો હતો. પોલીસના ડરથી છેવટે તેણે કબુલ્યુ કે તે અને તેની પત્નીએ બેન્કના લોકરમાંથી આ લગડી ચોરી કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી વધુની તપાસ હાથ ધરી છે.
ચોરી કરેલા દાગીનાના ડુપ્લિકેટ બનાવી પાછું મૂકી દેતાં
આરોપીએ જણાવ્યું કે તે છેલ્લા એક વર્ષમાં તેણે અનેક વખત ડમી ગ્રાહક બનીને ચોરી કરી હતી, દંપતી દાગીનાની ચોરી કરી તેના જેવા જ ડુપ્લિકેટ દાગીના બનાવીને પાછા લોકરમાં મૂકી દેતા હતાં. પટાવાળાએ લોકરની નકલી ચાવી સાથે પત્નીને ખોટા નામે સહી કરાવી લોકરરુમમાં મોકલી ચોરી કરાવડાવતો હતો.
ગ્રાહકો બેન્કમાં ઘસી આવ્યાં
એલિસબ્રિજ બેન્ક ઓફ બરોડાના લોકરમાં ચોરી થઈ હોવાની જાણ થતા ગ્રાહકો પોતાના લોકર ચેક કરવા માટે ઉમટ્યાં હતાં. પરંતુ ગ્રાહકોના લોકરમાંથી નહીં પણ બેન્કના લોકરમાંથી જ ચોરી થઈ હોવાથી ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.