Chhota Udepur
પોલીસ સમાજમાં પ્રવર્તતા કચરાની સાથે સાથે શેરીઓ, આંગણા અને પરિસરમાં પ્રસરેલો કચરો પણ સાફ કરે છે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પોલીસનું કામ માત્ર સુરક્ષા કરવાનું જ નથી પરંતુ સમાજમાં સ્વચ્છતા માટે સફાઈ કરવાનું પણ છે. આ વાત છોટાઉદેપુર જીલ્લાના પોલીસ સ્ટાફ સાબિત કરે છે. આમ તો પોલીસ સમાજમાં જોવા મળતા મારામારી, અત્યાચાર, ચોરી જેવા દુષણોને જડમૂળમાંથી કાઢી સમાજને નૈતિક, સામાજિક અને સુરક્ષિત રીતે સ્વચ્છ રાખે છે, પણ છોટાઉદેપુરના પોલીસ બેડાએ આપણું આંગણું સ્વચ્છ રાખવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ છે. એસપી ઈમ્તિહાસ શૈખથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.
જેમાં જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો સહીત પોલીસ આર્ચરી એકેડેમી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસપી ઓફીસ, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ વગેરે કચેરીઓ પર સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી. એસપી ઈમ્તિહાસ શૈખે જણાવ્યું હતુકે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની કચેરીઓમાં આ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું અને સરકારની સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં જોડાઈ પોલીસે પણ જાગૃતિ ફેલાવવામાં સમય દાન આપી ફાળો નોંધાવ્યો હતો. આ તબક્કે લોકોને એક અપીલ છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે સભાનપણે પ્રયત્ન કરવો જોઈએ અને આપણી પૃથ્વીનું અને પર્યાવરણનું જતન કરવું જોઈએ. છોટાઉદેપુર જીલ્લાના એકમાત્ર મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ અને અન્ય મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ આ અભિયાનનો હિસ્સો બનીને પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા.