Gujarat
પતંગમાં 30 ટકા અને દોરામાં 25 ટકા જેવો ભાવ વધારો આવાથી બજારમાં મંદીનો માહોલ
ઉત્તરાયણ પર્વને હવે માત્ર બે દિવસ બાકી રહેવા છતાં પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે પતંગોના ભાવમાં 30 ટકા જેટલો વધારો અને દોરામાં પણ 25 ટકા જેવો ભાવ વધારો મંદીનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત દોરાને કાચ પીવડાવવામાં પણ મોંઘવારીના કારણે હજી ઉતરાયણનો માહોલ પતંગ બજારમાં જોવા મળતો નથી.
ગત બે વર્ષ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોના(Corona)ના કારણે તમામ ધાર્મિક સહિત મોજમજાના પર્વ પર કેટલાક નિયંત્રણો સરકાર દ્વારા લાદવામાં આવ્યા હતા. હવે જ્યારે કોરોના મંદ પડ્યો છે ત્યારે કોઈ જાતના નિયંત્રણો તહેવારોની ઉજવણી માટે નથી. આગામી ઉત્તરાયણના પતંગોત્સવ પર્વની ઉજવણી માટે પતંગ રસિયાઓ થનગની રહ્યા છે. મકરસંક્રાંતિ (Makar Sankranti 2023)ના પતંગોત્સવ પર્વને માણવા માટે પતંગ રશિયાઓ ભરપૂર તૈયારીઓ કરી રહ્યા છે.
આ વર્ષે પતંગના કાચા માલમાં ભાવ માં વધારો થયો છે. પરિણામે પતંગોના ભાવમાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. એવી જ રીતે પતંગના દોરામાં પણ અંદાજિત 25 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પતંગ ઉડાડવા માટેના દોરાને કાચ પીવડાવવાનું પણ મોંઘું થયું છે. પતંગ રશિયાઓને ચાલુ વર્ષે મોંઘવારીનો માર નડી રહ્યો છે. પરિણામે શહેરના સૌથી મોટા પતંગ બજાર માંડવી ચોખંડી વિસ્તારમાં કાગડા ઉડી રહ્યા છે અને પતંગ બજારમાં મોંઘવારીના કારણે મંદીનું મોજુ જોવા મળી રહ્યું છે.
તમામ વેપારીઓ દિવસભર મોટાભાગે આરામ ફરમાવતા જોવા મળે છે. એવી જ રીતે દોરા માટે જાણીતા મંગળ બજાર-નવા બજાર સહીતના અન્ય તમામ વેપારીઓ પણ મોટાભાગે આરામ ફરમાવી રહ્યા છે. એવી જ રીતે પતંગ ઉડાડવા માટેના દોરાને કાચ પીવડાવવા માટે રોજિંદુ પેટીયુ રળતા કારીગરો પણ હાલ મંદીના માહોલમાં ફસાયા છે.
હવે પતંગ બજાર સિમીત નહી રહીને શહેરના સોસાયટી વિસ્તારમાં પણ વિસ્તારી ચૂક્યો છે. પંડાળો બાંધીને પણ વેપારીઓ પતંગનું વેચાણ કરતા જોવા મળે છે. આ ઉપરાંત શહેરના રાવપુરા(Raopura) સહિત નવા બજાર અને ફતેપુરા વિસ્તારમાં પણ નાના-મોટા પતંગ બજારો હવે શરૂ થઈ ચૂક્યા છે. માંડવી વિસ્તારના મુખ્ય ગણાતા પતંગ બજારમાં ભાવ વધારાના કારણે અને ઠેક ઠેકાણે પથારા અને પંડાળોમાં પણ પતંગનો ધંધો થતો હોવાના કારણે ગ્રાહકો હવે નજીકથી જ પતંગ ખરીદવાનું મુનાસીબ માનતા હોવાના કારણે મંદીનો માહોલ સર્જાયો છે.
ઘરાકીના મંદીના માહોલમાં મુખ્ય કારણ પતંગોના કાચા માલના માલમાં ભાવ વધારો અને દોરાનો ભાવ વધારો તથા પતંગ દોરાને કાચ પીવડાવવાનું મોંઘુ થતા પતંગોત્સવ આડે બે દિવસ બાકી હોવા છતાં પતંગના મુખ્ય બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ દિવસ પર આરામ ફરમાવતા જોવા મળે છે.