Chhota Udepur
કદવાલ પોલીસની લોકસેવા ભર વરસાદ માં પડી ગયેલા ઝાડ હટાવી માર્ગ ખુલ્લો કર્યો
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જેતપુરપાવી તાલુકાના ધનપૂર થી કદવાલ વચ્ચે ના માર્ગ ઉપર અસંખ્ય ઝાડ પડી ગયા છે. કદવાલ પોલીસ સ્ટાફે રોડ પર પડી ગયેલા ઝાડોને કટર તેમજ કુવાડાથી કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
જેતપુરપાવી તાલુકાના ધનપુર થી લઈને કદવાલ ગામ વચ્ચેનો માર્ગ કે જેના પર ભારે વરસાદને કારણે સવારે નાના મોટા ઝાડ પડી ગયા હતા, અને સંપૂર્ણ પણે બંને ગામ વચ્ચેનો રસ્તો બંધ થઇ ગયો હતો. તે અંગેની જાણકારી કદવાલ પોલીસ સ્ટેશનને મળતાં સૌપ્રથમ કદવાલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અર્જુન રાઠવા, ઉપરાંત એ.એસ.આઈ ચંદુભાઈ રાઠવા, હે.કો. કાળુંભાઈ ભરવાડ, પો.કો.રતનભાઈ રાઠવા, પો.કો.મનહરભાઈ રાઠવા વગેરે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઝાડની ડાળીઓને કાપીને જાતે જ મોટા મોટા દોરડાથી બાંધીને એક સાથે ડાળીઓ ખેંચીને સંપૂર્ણ પણે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. સતત ત્રણ કલાકની જહેનત પછી ૮ ગામ વચ્ચેનો માર્ગ ખુલ્લો થયો હતો, તેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.