Gujarat
ગળતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતાં શાળાને તાળાબંધી
(પ્રતિનિધિ રિઝવાન દરિયાઈ ખેડા ગળતેશ્વર)
– અન્ય શિક્ષકોની કામગીરી સામે સવાલો ઉઠાવીને તમામ શિક્ષકોની બદલીની માંગ સાથે ગ્રામજનો ગિન્નાયા
– સારા શીક્ષકો ટકતા નથી : વાલીઓ અને ગ્રામજનો
– તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તાબડતોબ પહોંચી ગયા પણ માંગ ઉપર અડગ ગ્રામજનો
ગળતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળાના એચ ટાટ આચાર્યએ પોતાની અન્ય શાળામાં બદલી કરાવી દેતા ગ્રામજનોએ ભારે ઊહાપોહ કરી નાખીને શાળાને તાળાબંધી કરી દીધી હતી.શાળામાં ભણતા બાળકોના વાલીઓ અને ગ્રામજનો દ્વારા સારા શિક્ષકોને અહીંયા ટકવા દેવામાં આવતા નથી અને બાળકોને ભણાવતા ન હોવાની ઉગ્ર રજૂઆત સાથે તમામ શિક્ષકોની સામૂહિક બદલીની માંગણી સાથે અચોક્કસ મુદત સુધી શાળાને તાળાબંધી કરી દેતા તાલુકાભરમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે જાણવા મળ્યા મુજબ બૈડપ શાળાના આચાર્ય હસમુખભાઈ પ્રજાપતિએ બદલી કેમ્પમાં પોતાની બદલી અન્યત્ર કરાવી લેતાં પોતાના બાળકોની ફિકર કરીને ગ્રામજનોમાં ફિકર વ્યાપી જવા પામી હતી.કારણ કે આચાર્યની કામગીરી સંતોષજનક હોવાછતાં તેઓ બદલી કરાવી લેતાં હવે શાળામાં અન્ય શિક્ષકો સામે વાલીઓ અને ગ્રામજનોમાં રોષ વ્યાપેલો જોવા મળે છે.ગ્રામજનોએ કરેલ લેખિત રજૂઆત મુજબ શાળામાં સરમુખત્યાર શાહી ચાલી રહી છે જેને કારણે સારા શિક્ષકો અહીંયા ટકી શકતા નથી, જેને કારણે બાળકોનું શિક્ષણ ઝીરો ટકા થઈ જવા પામ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે તમામ શિક્ષકોની બદલી કરવાની માંગણી કરી છે અને શાળાને તાળાબંધી કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ બાબતની જાણ થતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જોષી તાબડતોબ શાળામાં પહોંચી ગયા હતા જો કે ગ્રામજનોએ સમગ્ર મામલે લેખિત રજૂઆત કરીને તમામ શિક્ષકોની બદલીની માંગણી કરી હતી. આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જોષીએ જણાવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆત મળી છે અને જિલ્લા કચેરી મોકલીને તપાસ બાદ ઘટતી કાર્યવાહી કરીશું.
ઉલ્લેખનીય છે કે ગળતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળાના શિક્ષકો વિરૂદ્ધ ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરી હોવાછતાં કોઈજ નક્કર કાર્યવાહી કરી ન હોવાની પણ ફરિયાદ તેઓએ કરી હતી, ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપીને તાનાશાહી ચલાવી રહેલા તમામ શિક્ષકોની અન્ય તાલુકામાં બદલી કરીને સારા શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનોએ કરેલ છે